અમદાવાદ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ હવે રાજકીય પક્ષો લોકો સુધી પહોંચવા વચનોની લ્હાણી કરી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતને ઘણી ગેરેન્ટીઓ આપ્યા બાદ કોંગ્રેસે પણ વચનો આપવાનું શરૂ કર્યું છે.ગુજરાત કોંગ્રેસે રાજ્યમાં સરકાર બનશે તો જૂની પેંશન યોજના લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે, તો આજે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ પણ એક મોટી જાહેરાત કરી છે.
ગુજરાતમાં કોંગ્રેસની નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા – NSUI દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ યુવા વર્ગ માટે વચનોની લ્હાણી કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો NSUI દ્વારા રાજ્યમાં 3 હજાર જેટલી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવાની જાહેરાત કરી છે.
સુરત ખાતે NSUIના રાષ્ટ્રીય મંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી વિનોદ ઝાખડની ઉપસ્થિતિમાં જાહેરાત કરવામાં આવી હતી.સાથે જ બેરોજગાર યુવાનોને પ્રતિમાસ બેરોજગારી ભથ્થુ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને શિક્ષણ માટે 3 હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે અને ડિજિટલ શિક્ષણ માટે ભથ્થું આપવાનું પણ નક્કી કરાયું છે.