અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકાર તમામ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી નાંખવા માંગે છે. ત્યારે ગાંધીનગરમાં યોજાનાર ડિફેન્સ એક્સ્પોની સાથે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફાઈટર જેટનો એર શો યોજવાની પણ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. રિવરફ્રન્ટ પર એર શો માટે કંટ્રોલ સેન્ટર અને સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફાઈટર જેટના એર શોમાં તિરંગાના રંગોનું ફોર્મેશન બનાવીને દેશભક્તિનો સંદેશ આપવામાં આવશે. સાથે જ આ એર શોમાં સુખોઈ સહિતના લડાકુ વિમાનો જોડાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ રિવરફ્રન્ટ પર યોજાનાર એર શોમાં વિવિધ પ્રકારના કરતબો દરમિયાન આકાશમાં ત્રણ-ત્રણની જોડીમાં 9 કે 12 ફાઈટર વિમાનો એક સાથે જોડાશે. આ એર શોના કારણે એરફોર્સના ફાઈટર જેટ અને અન્ય ફાઈટર એરક્રાફ્ટ આકાશમાં ગર્જના કરતા જોવા મળશે. લોકોને એર શો દરમિયાન આ ફાઈટર જેટ્સના પરાક્રમ જોવા મળશે. જે દરેક માટે રોમાંસથી ભરપૂર હશે.આર્મીના ટ્રકો અને જવાનો પણ રિવરફ્રન્ટ ખાતે પહોંચી ગયા છે. આ કાર્યક્રમમાં એર માર્શલ, રક્ષા મંત્રી સહિત ત્રણેય પાંખોના વડાઓ હાજરી આપશે.