અમદાવાદ : ગઇકાલે વાડજ પોલીસને બગાસુ ખાતા પતાસુ હાથમાં આવી ગયું હોય તેવો ઘાટ સર્જાયો હતો. વાડજ પોલીસે મીર્ચીમેદાન પાસે આવેલા એક ફ્લેટમાં દારૂની બાતમી મામલે રેડ કરતાં પોલીસને વિદેશી દારૂની બોટલો સાથે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પણ મળી આવ્યું હતું. પોલીસે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા યુવકની ધરપકડ કરી છે .
પ્રાપ્ત રિપોર્ટ મુજબ વાડજ પોલીસને બાતમી મળી હતી કે, નિર્ણયનગર ગરનાળા પાસે મીર્ચી મેદાનની પાછળ સિમંધર સ્ટેટસ નામના ફ્લેટ આવેલા છે. જેમાં ઇ/702 નંબરના ફ્લેટમાં રહેતો હર્ષિલ શાહ પાસે દારૂની બોટલો છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જ્યાંથી તેમને 1.25 લાખ રૂપિયાની કિંમતની માત્ર પાંચ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ઘરમાં સર્ચ કરતા એક એપલનું મેકબુક મળી આવ્યું હતું. જેને ચેક કરતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલતું હોવાનો પણ ભાંડો ફુટ્યો હતો. હર્ષિલ વિદેશી નાગરિક બનીને ઇન્ટરનેશનલ કોલસેન્ટર ચલાવતો હતો.
પોલીસની પૂછપરછમાં તેણે કબુલાત કરી હતી કે, હર્ષિલ યુએસ બેંકનો કર્મચારી બનીને વિદેશી નાગરિકોને ફોન કરતો હતો અને લોન આપવાના બહાને ચિંટીંગ કરતો હતો. વિદેશી નાગરિકો પ્રોસેસિંગ ફી આપવાનું નક્કી કરે તો ગુગલ પે, ગીફ્ટ કાર્ડની મદદથી રકમ લેતો હતો. વિદેશી નાગરિકો પાસેથી ચિંટીગ કરીને રૂપિયા મળી ગયા બાદ આંગડીયા પેઢી મારફતે તેને મંગાવી લેતો હતો. હર્ષિલ વેબસાઇટ પરથી વિદેશી નાગરિકોના ડેટા કાઢી લેતો હતો અને બાદમાં આખી રાત કોલ કરતો હતો.
આમ વાડજ પોલીસે હર્ષિલ વિરૂદ્ધ ઇન્ટરનેશનલ કોલસેન્ટર ચલાવવાનો તેમજ દારૂ રાખવાના બે અલગ-અલગ ગુના દાખલ કર્યા છે.હર્ષિલની ધરપકડ બાદ અનેક બીજા નામ ખુલે તેવી પણ શક્યતા છે.