અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બચ્યા છે. ત્યારે ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરાઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા કંઈ ખાસ અમદાવાદમાં થતું જોવા મળી રહ્યું નથી.સોસાયટીઓમાં કોઈ જગ્યાએ રાજકીય પાર્ટીના સમર્થનમાં તો કોઈ જગ્યાએ મતદાનના બહિષ્કારના બેનરો લાગ્યા છે. આવામાં અમદાવાદની વેજલપુર અને એલિસબ્રિજ વિધાનસભા બેઠકના મતવિસ્તારની સોસાયટીઓમાં લગાડવામાં આવેલા બેનરો ટોક ઓફ ટાઉન બન્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ વેજલપુર અને એલિસબ્રિજ મત વિસ્તારમાં તો કેટલીય સોસાયટી અને ફલેટના ચેરમેનોને ભાજપ દ્વારા સૂચના આપવામાં આવી છે જેના કારણે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષના ઉમેદવારને પ્રચાર માટે જવા દેવામાં જ આવતા નથી. ભાજપની ધમકીને કારણે સોસાયટી અને ફલેટમાં કોઇ પણ ઉમેદવારે પ્રચાર માટે આવવુ નહી તેવા બોર્ડ પણ મારી દેવામાં આવ્યા છે. આમ, ભાજપે ચૂંટણી જીતવા લોકશાહીને માળવે મૂકી દીધી હોવાનુ ખુદ મતદારો જ કહી રહ્યા છે.