અમદાવાદ : અમદાવાદ શહેરમાં મ્યુ તંત્રએ જાહેર રોડ પર કચરો ફેકનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ત્યારે શહેરના તમામ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો દ્વારા પશ્ચિમ વિસ્તારમાં નારણપુરા, નવરંગપુરા, મેમનગર સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. 271 જગ્યાએ તપાસ કરી 219 લોકોને નોટિસ આપવામાં આવી હતી અને 28,350 જેટલો દંડ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા માર્ટિનો’ઝ પિઝા, નવરંગપુરા લવકુશ પાન પાર્લર સહિતના 8 એકમોને ગંદકી બાબતે સીલ કરવામાં આવ્યા છે.પકવાન ચાર રસ્તા પાસે આવેલા જલારામ પરોઠા હાઉસને પણ ગંદકી બાબતે જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ બપોરે તપાસ કરવામાં આવતા ફરીથી ગંદકી જોવા મળતા તેને સીલ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શહેરના પૂર્વ વિસ્તારમાં શાહીબાગ વોર્ડમાં રાજસ્થાન હોસ્પિટલ અને ડફનાળા ચાર રસ્તા પાસે તપાસ કરતા TK પાન પાર્લર, રોયલ ફાસ્ટફૂડ, રામદેવ ફાસ્ટફૂડ, શુભમ ટી સ્ટોલ, TBZ પાન પાર્લર, હેવમોર આઈસ્ક્રીમ, રાજસ્થાન હોસ્પિટલ પાસે આવેલી હોટલ સિદ્ધાર્થ અને શાહીબાગ અંડરબ્રીજ પાસે આવેલી સંકલ્પ અનંતરા નામની બાંધકામ સાઇટ વગેરે મળીને કુલ 62ને નોટિસ આપી અને વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે.