અમદાવાદ : ભારત વર્ષ 2036 માં ઓલમ્પિકનું યજમાન બને તે માટેની તૈયારીનો ધમધમાટ ચાલુ થઈ ગયેલો છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં ઓલમ્પિક ગેમ્સ યોજાય તે માટે ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. તેના જ ભાગરૂપે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે આવેલા વિશિષ્ટ અતિથિગૃહ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી.
આ બેઠકમાં ઓલિમ્પિકના ધારા-ધોરણો અનુસાર અમદાવાદ-ગાંધીનગર અને અન્ય સ્થળોએ વોટર સ્પોર્ટ્સ અને માઉન્ટેન સ્પોર્ટ્સ સહિતની રમતો માટે જરૂરી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર, ખેલાડીઓ-કોચ વગેરેની આવાસ સુવિધાઓ સહિતની તમામ વ્યવસ્થાઓ બાબતે પ્રાથમિક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.આ બેઠકમાં રાજ્ય સરકારના મુખ્ય સચિવ પંકજકુમાર અને રમત ગમત વિભાગના સચિવ અશ્વિનીકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. રમતગમત વિભાગ દ્વારા આ બેઠકમાં પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, આગામી સમયની ત્રણ ઓલિમ્પિક ગેમ્સ 2024માં પેરિસ, 2028માં લોસ એન્જલસમાં અને 2032માં બ્રિસબેનમાં યોજાશે. ત્યારે વર્ષ 2036ના ઓલમ્પિકનું યજમાન પદ ભારતને મળી રહે તે માટે તૈયારીઓનો ધમધમાટ કરી દેવામાં આવ્યો છે. વર્ષ 2036ના ઓલમ્પિક યજમાન પદની રેસમાં ભારત સાથે સાથે ઇન્ડોનેશિયા કતાર અને જર્મની પણ છે. ત્યારે ભારતને વર્ષ 2036 ની ઓલમ્પિકની યજમાની મળે તે માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.