નવી દિલ્હી : કોરોના હવે ફરીથી જે રીતે આપણા પાડોશી દેશ ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે તેને જોતા ભારત માટે પણ ચિંતા વધી છે. આ જ કારણ છે કે ભારત તરફથી હવે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પગલાં લેવાઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું છે કે જો આ દેશોમાંથી કોઈ પ્રવાસી કોરોનાના લક્ષણો જણાશે અથવા ટેસ્ટ પોઝિટિવ જણાય તો તેને તાત્કાલિક ક્વોરેન્ટાઈન કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ચીનમાં જે રીતે કોરોના ફૂંફાડા મારી રહ્યો છે તેનાથી સમગ્ર દુનિયા ચિંતાતુર બની છે. ભારતમાં પણ હવે ચીન ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે RT-PCR Test ફરજિયાત કરવામાં આવ્યો છે. એરપોર્ટ પહોંચતા જો આ દેશમાંથી આવનારા કોઈ પણ મુસાફરમાં કોવિડ-19ના લક્ષણો જોવા મળે કે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવે તો તેમને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે.
ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે માહિતી આપવા માટે કોવિડ-19 એર સુવિધા ફોર્મ ભરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.