અમદાવાદ : અમદાવાદમાં આજે સાંજથી કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ થશે. કાંકરિયા કાર્નિવલમાં લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટવાની છે, ત્યારે કોરોનાની ગાઈડલાઈન્સના પાલન સાથે આ કાર્નિવલનું આયોજન AMC દ્વારા કરવામાં આવ્યું છે. સંપૂર્ણપણે કોરોનાની ગાઈડલાઈન્સના પાલન સાથે આ ભવ્ય કાંકરિયા કાર્નિવલ આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલ દરમિયાન 100 જેટલા વોલેન્ટિયર રાખવામાં આવશે જેઓ લોકો પાસે કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરાવશે.
આજથી 31 ડિસેમ્બર સુધી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે 7 વાગ્યે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાર્નિવલનું ઉદઘાટન કરવામાં આવશે. કાંકરિયા કાર્નિવલમાં ગેટ નંબર 1, 2 અને 3 કુલ ત્રણ જગ્યાએ સ્ટેજ રહેશે. રાજભા ગઢવી, વિજય સુંવાળા, સાંઈરામ દવે, ભૌમિક શાહ, આદિત્ય ગઢવી સહિતના કલાકારો પોતાનું પરફોર્મન્સ કરશે. રાત્રે 10 વાગ્યે લેસર બીમ શો પણ યોજાશે. કાંકરીયા કાર્નિવલ દરમિયાન જુદા જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલવાનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ વિખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.