ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સરળ-સહજ વ્યક્તિત્વ અને જનસેવક તરીકેની અનોખી સંવેદનાનો વધુ એક પરિચય ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના બાપુપુરા અને વિહારના ગ્રામજનોને આજે થયો હતો. બીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ પ્રકારની જાણ કર્યા વગર મુખ્ય સચિવને સાથે રાખી ગાંધીનગરના માણસાની સરપ્રાઇઝ વિઝીટ લેવા માટે પહોંચ્યા હતા.
આજે અમદાવાદ ખાતે ફ્લાવર શો ના ઉદઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જીલ્લાના માણસામાં સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી. મુખ્ય સચિવને સાથે રાખી માણસા તાલુકાના બાપુપુરા અને વિહાર ગામની આંગણવાડી અને પંચાયત ઘરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. આંગણવાડીમાં પોષણક્ષમ આહાર મળી રહે તે માટે પણ ટકોર કરી હતી. સાથે સાથે ગામના આગેવાનો સાથે મુલાકાત લઇ તેઓની સમસ્યા સાંભળી હતી અને નિરાકરણ માટે ખાતરી આપી હતી.
આ મુલાકાત બાદ ગામમાં આવેલ હનુમાનજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીએ ફરજ પરના કર્મચારીઓ તથા ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.લોકોએ તેઓની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી.