અમદાવાદ : નવા વર્ષનો પહેલો દિવસ અને રવિવારની રજા હોવાનો બેવડો લાભ અમદાવાદીઓ ભરપૂર ઉઠાવી રહ્યા છે. અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. જે રીતે અહી મુલાકાતીઓ આવ્યા છે, તે જોતા લાગે છે કે અડધુ અમદાવાદ ફ્લાવર શોમાં આવ્યું છે. તો બીજી તરફ, સાબરમતી નદી પર આકર્ષણ બનેલ અટલ બ્રિજ પર પણ હૈયાથી હૈયુ દળાય તેવી સ્થિતિ જોવા મળી. ફ્લાવર શોને પગલે અટલ બ્રિજ પર પણ પગ મૂકવાની જગ્યા નથી તેટલા મુલાકાતીઓ જોવા મળી રહ્યાં છે.
બે વર્ષ બાદ લોકોને ફ્લાવર શો નિહાળવા જોવા મળી રહ્યો છે, ત્યારે આ વખતે 10 લાખથી વધુ લોકો મુલાકાત લે તેવી શક્યતા છે. કોરોનાને કારણે અગાઉ ફ્લાવાર શૉ રદ થયો હતો. ત્યારે ફ્લાવાર શૉ માટે રવિવારના દિવસે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. આ વખતે 15થી વધુ થીમ આધારિત ફ્લાવર શોનું આયોજન કરાયું છે. જેમાં ઓલમ્પિક, ધન્વંતરિ, યોગા, એનીમલ થીમ, આઝાદીના અમૃત મહોત્સવ, અર્બન 20 અને G20 સહિતની થીમ મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ફ્લાવાર શૉની અસર અટલ બ્રિજ ઉપર જોવા મળી છે. અટલ બ્રિજ ઉપર હૈયાથી હૈયું દળાય તેવી સ્થિતિ છે.