અમદાવાદ : ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ ચાઈનીઝ દોરી ‘મોતની દોરી’ બની રહી છે. એક તરફ ગુજરાતમાં ચાઈનીઝ દોરીના વેંચાણ પર પ્રતિબંધ છે છતા પણ છુપી રીતે આ ‘મોતની દોરી’ નું વેચાણ બેધડક ચાલુ છે. એક રિપોર્ટ મુજબ સમગ્ર રાજ્યમાં એક જ મહિનામાં 3 ના મોત નિપજ્યા છે ત્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ભલે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોય, પરંતુ ચાઇનીઝ દોરી વેચાય પણ છે, ઉપયોગમાં લેવાય પણ છે અને તેનાથી લોકોના મોત પણ થઇ રહ્યા છે. પાછલા એક મહિનાથી રાજ્યમાં ચાઇનીઝ દોરીથી મોત અને ગંભીર ઇજાઓની ઘટના બની રહી છે. ગાંધીનગર, સુરત, મહેસાણા, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં ચાઇનીઝ દોરી યુવકોનો ભોગ લઇ રહી છે.
પોલીસ વિભાગે ચાઇનીઝ દોરી નહીં વેચવાનો પરિપત્ર જાહેર તો કરી દીધો, પરંતુ અહીં સવાલ એ સર્જાય છે કે આ પરિપત્રનો અમલ ક્યારે થશે. ચાઇનીઝ દોરી બજારોમાં વેચાય પણ છે, અને તેનાથી નિર્દોષો મોતના મુખમાં ધકેલાઇ પણ રહ્યા છે, ત્યારે માત્ર પરિપત્ર નહીં પરંતુ ઠોસ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.