અમદાવાદ: છેલ્લા કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયામાં અને બોલીવુડમાં શાહરૂખ ખાનની ફિલ્મ ‘Pathaan’નો વિરોધ થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ તેના પડઘા બુધવારે સાંજે જોવા મળ્યા હતા. વસ્ત્રાપુર લેક પાસે અમદાવાદ વનમોલના સીનેમાઘરમાં ‘Pathaan’ ફિલ્મનો વિરોધ કરાયો હતો. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી ભારે હંગામો મચાવ્યો હતો. જેના કારણે ત્યાં હાજર લોકો ગભરાઈને અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર લેક પાસે આવેલા વનમોલમાં બુધવારે મોડી સાંજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ શાહરૂખ ખાનની ‘Pathaan’ ફિલ્મનો વિરોધ કર્યો હતો. જેમાં આજે ફિલ્મના પોસ્ટર સિનેપોલીસ સીનેમાઘરમાં દેખાતા કાર્યકરોએ ઉગ્ર દેખાવ કરીને તોડફોડ કરી હતી. બીજી તરફ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ ફિલ્મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલન કરશે. આ સમયે અન્ય લોકો પણ મોલમાં હાજર હતા જે આ સમગ્ર મામલો જોઈને ગભરાઈ ગયા હતા.
આ સમગ્ર ઘટના અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ થતાની સાથે જ પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જોકે હવે ફિલ્મ ‘Pathaan’ને લઇ વિરોધ અમદાવાદથી શરૂ થયો છે અને અન્ય જગ્યા પણ વિરોધ થાય તેવી શક્યતા છે. બનેલી આ ઘટના અંગે વિડીયો સામે આવતા હવે પોલીસ અધિકારી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.