અમદાવાદ : શહેરના જૂના વાડજના રામાપીરના ટેકરા વિસ્તારમાં થઇ રહેલ સ્લમ રિડેવલપમેન્ટની કામગીરી દરમ્યાન ગત મંગળવારે તંત્ર દ્વારા એકાએક ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કામગીરીને લઈ જિજ્ઞેશ મેવાણી લોકોની મદદે દોડી આવ્યા હતા. તેમણે ડિમોલિશનની કામગીરી મોકૂફ રાખવા વિનંતી કરી છે. આ સાથે જ સરકાર પર આરોપ લગાવતાં તેમણે કહ્યું હતું કે ચૂંટણીમાં બિલ્ડરો પાસેથી ભરપૂર પૈસા લીધા બાદ હવે ગુજરાત સરકાર તેમનું ઋણ ચૂકવી રહી છે.
કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં સ્થાનિક અસરગ્રસ્તોએ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનર આઈકે પટેલને રજૂઆત કરતાં ડિમોલિશનની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે. અમદાવાદના જુના વાડજના રામાપીરના ટેકરા પર 250થી વધુ પરિવારોનાં મકાનો પરવાનગી વગર તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તાત્કાલિક સ્થળ પર પહોંચીને વહીવટીતંત્રને કાર્યવાહી મોકૂફ રાખવા વિનંતી કરી હતી.મહત્વનું છે કે જુદા-જુદા 6 બિલ્ડરને કોન્ટ્રાક્ટ આપીને રામાપીર વિસ્તારમાં વિકાસકાર્ય થઈ રહ્યું છે. જેમાં લોકોને બોગસ લાભાર્થી બનાવીને લાભ અપાઈ રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે સ્થાનિક લોકોને ડરાવી, ધમકાવીને મકાન ખાલી કરવા માટેની ધમકી અપાઈ રહી છે. આ અંગે RTI કરીને માહિતી માગવા છતાં AMCનું તંત્ર આપતું નથી. AMC, પોલીસ અને બિલ્ડરો મળીને ખોટા લોકોને લાભ અપાવતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.લોકોની માગ છે કે સ્થાનિક રહીશો, કોર્પોરેશન અને બિલ્ડર તરફથી પ્રતિનિધિઓની એક કમિટી બનાવવામાં આવે અને યોગ્યતા ધરાવતા લોકોને લાભ મળે. જો ધાકધમકી આપવામાં આવશે તો ચૂપ ન બેસવાની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. તો બીજીતરફ તંત્રએ પણ યોગ્ય લાભાર્થીને લાભ આપવાનો જ દાવો કર્યો છે.
સ્થાનિકોનો આરોપ છે કે એક મકાનના 4-4 બોગસ લાભાર્થીઓ ઉભા કર્યા છે. જેના કારણે 50 ટકા તો એમ જ કપાઈ જાય છે. સ્થાનિકોની રજૂઆત છે કે રામાપીરના ટેકરા પરથી ડિમોલિશન થશે ઓછામાં ઓછા 10 હજાર માણસો રઝળી પડશે. તેમનો આક્ષેપ છે કે આમાં કોઈપણ પ્રકારની વિજિલન્સ તપાસ કરવામાં નથી આવતી. પોલીસ સ્ટેશને જઈને રજૂઆત કરે તો પોલીસ દિવાની મેટર હોવાનુ કહી હાથ અધ્ધર કરી દે છે.