અમદાવાદ : PM નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે, ત્યારે અમદાવાદ શહેર ભાજપ, બાપુનગર સેવા સમિતિ અને GCCI દ્વારા નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા છે. કાર્યક્રમમાં ભીડ ઉમટી પડતા એન્ટ્રી મેળવવા માટે લોકોની પડાપડી થઈ હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બાપુનગરમાં 17 સપ્ટેમ્બરના રોજ PM નરેન્દ્ર મોદીની જીવનગાથા દર્શાવતો મેગા મલ્ટીમીડિયા શો યોજાયો હતો. નમોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ અને ધારાસભ્યો હાજર રહ્યાં હતાં. સાઈરામ દવે સહિતના 150 કલાકારોએ પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું. આ મેગા મલ્ટીમીડિયા શો જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. આ શો જોવા માટે ડોમ ઉપરાંત બહારના ભાગે લાગેલા LED સ્ક્રીન ઉપર પણ જોવા માટે લોકો ભેગા થયા હતા.
ડોમમાં પ્રવેશ મેળવવા માટે લોકો પાસે પાસ હોવા છતાં પણ પ્રવેશ મેળવી શક્યા નહોતા. કારણ કે, મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી ગયા હતા અને ભારે અવ્યવસ્થા તેમજ પ્રવેશ મેળવવા માટે ભીડમાં પડાપડી થઈ હતી. બે કલાકના વડાપ્રધાનની જીવનગાથા દર્શાવતા મેગા મલ્ટીમીડિયા શોને લોકોએ નિહાળ્યો હતો. તો બીજી તરફ ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના કોર્પોરેટરોને બેસવાની જગ્યા મળી ન હતી.
નમોત્સવ કાર્યક્રમમાં વડનગરના સામાન્ય ચા વાળાથી લઈને વડાપ્રધાન બનવા સુધીની નરેન્દ્ર મોદીની જીવન ગાથા સાથે સાથે ઓપરેશન સિંદુરથી લઈને મહત્વના નિર્ણયો સુધીની સફર 150 જેટલા કલાકારોએ સંગોત અને નાટ્યાત્મક રીતે રજુ કરી હતી.