અમદાવાદ : તાજેતરમાં અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરા ખાતે સ્લમ રીડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત મકાનો તોડવાને લઈને આજે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ રેલી સ્વરૂપે ટેકરાથી લઈને અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ ભેગા મળી રામાપીરનો ટેકરો તોડવા મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. કલેકટરને આવેદનપત્ર આપી તેઓએ રજૂઆત કરી હતી કે, અમારા રામપીરના ટેકરાને તોડવામાં ન આવે. સાથે સામુહિક આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે જુના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરા ખાતે સ્લમ રીડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત મકાનો તોડવાના નિર્ણયના વિરોધમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ રેલી સ્વરૂપે ટેકરાથી લઈને અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કલેકટરને આવેદનપત્ર આપી તેઓએ રજૂઆત કરી હતી કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રામાપીરનો ટેકરો તોડવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો છે તે તાત્કાલિક રદ કરવામાં આવે અને સ્થાનિકોનો સાચો સર્વે કરવામાં આવે. રામાપીરનો ટેકરો તોડવા મુદ્દે જે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થાય છે તે રોકવામાં આવે એવી અમારી માંગ છે.
આ મામલે રામાપીરના ટેકરાના રહેવાસી નરેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે, રામાપીરના ટેકરા પર 15 હજારથી વધુ પરિવારો રહે છે અને જો સત્તાના જોરે અને બિલ્ડરોના ફાયદા માટે આ રીતે મકાનો તોડવામાં આવશે તો અમારે આત્મવિલોપન કરવું પડશે. વર્ષ 2016થી આ રામાપીરના ટેકરાનો આ વિવાદ ચાલે છે. 3,700થી વધુ અમે વાંધા અરજીઓ રજુ કરી છે. છતાં પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ એસ્ટેટ વિભાગનો દુરુપયોગ કરી અને રામાપીરના ટેકરાના મકાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્લમ ક્લિયરન્સના નામે રામાપીરનો ટેકરો તોડવાને લઈ અમારો વિરોધ છે.