અમદાવાદ : ઉત્તરાયણ પર્વે સર્જાયેલી દુર્ઘટનાના 108 દ્વારા સાંજે 6 વાગે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 2023માં 2916 ઇમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે 2022માં 2638 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. 2022ની સરખામણીએ 2023માં 278 ઇમરજન્સી કેસ વધુ નોંધાયા છે.જેમાં રાજ્યમાં દોરીથી ઈજા થવાની કુલ 62 ઘટનાઓ સામે આવી છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ દોરીથી ઈજા થવાની 25 ઘટના સર્જાઈ હતી. તો રાજ્યમાં રોડ એક્સિડન્ટના 400 કેસ નોંધાયા હતા.સૌથી વધુ 56 કેસ અમદાવાદમાં નોંધાયા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજ્યમાં ધાબેથી પડી જવાના કુલ 164 કેસ નોંધાયા હતા. જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ 36 કેસ નોંધાયા હતા. રાજ્યમાં પશુ-પક્ષીઓને ઈજા થવાના પણ 1 હજાર 59 કેસ નોંધાયા હતા. મહત્વનું છે કે, ઉત્તરાયણના પર્વે સરકાર અને સામાજીક સંસ્થાઓએ સાવચેતી જાળવવા અપીલ કરી હતી. તેમજ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા પણ નિર્દેશ કર્યા હતા. પરંતુ દુર્ઘટનાના આંકડાઓ દર્શાવે છે કે જનતા તહેવારની મજામાં અન્ય માટે સજા સાબિત થઈ છે.