અમદાવાદ : અમદાવાદમાં યોજાયેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી સમારોહનું આજે સમાપન થયું છે. 1 મહિનામાં 1.21 કરોડ લોકોએ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હતી. આ દરમિયાન 1 લાખ 23 હજાર લોકોએ વ્યસનમુક્તિ સહિતના શપથ લીધા હતા. આ સાથે રક્તદાન કેમ્પમાં કુલ 56 લાખ 28 હજાર સીસી બ્લડ એકત્ર કરવામાં આવ્યુ છે. છેલ્લા એક મહિનાથી આયોજિત અવિસ્મરણીય મહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો છે.પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ચરમસીમારૂપ પૂર્ણાહુતિ સભામાં લાખો હૈયાં ભાવવિભોર જોવા મળ્યા હતા.
સંધ્યા સમયે ૪:૪૫ વાગ્યે સમાપન સમારોહ- ‘પ્રમુખસ્વામી મહારાજ – કેમ રે ભુલાય!’ નો આરંભ કરવામાં આવ્યો હતો. સંતો, યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્રના ધૂનગાન અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ કરાવતાં ભક્તિપદોથી સભાનો આરંભ કરાવ્યો હતો. અનેકવિધ ભક્તોએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતાં. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કરેલાં વ્યસનમુક્તિ, પત્રલેખન, પધરામણી, શિક્ષણ કાર્યોને દર્શાવતી હૃદયસ્પર્શી વિડિયો દર્શાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઓગણજ સ્થિત આયોજિત આ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું 14મી ડિસેમ્બરે વડાપ્રધાન પીએમ મોદીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન મોદીએ આ ઉદ્દઘાટન કર્યા બાદ અહીં સામાન્યમાં સામાન્ય લોકોથી લઈને વિવિધ ક્ષેત્રના દિગ્ગજો સહિતનાએ આ મહોત્સવમાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રીઓ, કલા જગત સાથે સંકળાયેલા કલાકારો સહિતના આ શતાબ્દી મહોત્સવમાં આવ્યા હતા.