અમદાવાદ : ઉત્તરાયણ પર્વે પતંગ અને દોરા ને લીધે ઘાયલ થતા પક્ષીઓ ને તરત સારવાર આપી તેઓને જીવ બચાવી શકાય તે માટે અમદાવાદ શહેરમાં અનેક સામાજિક સંસ્થાઓ દર વર્ષે આગળ આવે છે. જેના અંતર્ગત ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા માટે વાસણા ખાતે જી. બી. શાહ કોલેજ પાસે કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ઉત્તરાયણ સેવ બર્ડ કેમ્પેઇન 2023 નો રેસ્ક્યુ સેન્ટર કેમ્પ યોજાયો હતો.
કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઝંખના શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉત્તરાયણનો ત્યોહાર તો એક-બે દિવસમાં જતો રહે છે પણ એના દર્દનાક નિશાન છોડતો જાય છે. આપણા પતંગની દોરીઓ જ્યાં જ્યાં પડી હોય છે ત્યાં પક્ષી બેસે એટલે એમના પગમાં અથવા પાંખમાં ભરાય છે અને આ દોરીના લીધે ઓગસ્ટ મહિના સુધી ઘાયલ પક્ષીઓ મળે છે. કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમારા ઘરની આજુબાજુના વૃક્ષ, થાંભલા, તાર અને જમીન ઉપરથી દોરીઓ દૂર કરવા માટે અપીલ કરવામાં આવે છે.
સ્વયંસેવકનો ઉત્સાહ વધારવા માટે નીરવભાઈ બક્ષી (કોંગ્રેસ અમદાવાદ શહેર પ્રમુખ અને દરિયાપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર – કોંગ્રેસ) એ વાસણા કૅમ્પની મુલાકાત લીધી હતી અને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.