અમદાવાદ : અમદાવાના નારણપુરા વિસ્તારમાં આવેલ ફેમસ સરદાર પટેલ નગરમાં ‘પાડાના વાંકે પખાલીને ડામ’ ગુજરાતી કહેવત બંધબેસે છે. આ ટાવરમાં ફાયર NOC ન હોવાના લઈને AMC દ્વારા પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જેના કારણે રહીશોએ બોરનું પાણી પીવાની ફરજ પડી રહી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) દ્વારા હલકી ગુણવત્તાની ફાયરની પાઇપ અને સિસ્ટમના કારણે ફાયર બ્રિગેડ દ્વારા તેઓને NOC આપવામાં આવી નથી. આ ઉપરાંત પાર્કિંગની સમસ્યાના કારણે પણ લોકોને અનેક હાલાકી પડી રહી છે. સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની બેદરકારીથી સાત હજારથી વધુ લોકો હેરાન થઈ રહ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના નારણપુરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં વર્ષ 2017માં મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત GHB દ્વારા સરદાર પટેલ નગર નામે 28 ટાવરમાં 1400 જેટલા ફ્લેટો બનાવવામાં આવ્યા હતા.ફાયરના નિયમ મુજબ હાઇરાઇઝ બિલ્ડીંગમાં ફાયર NOC હોવી જરૂરી છે છતાં પણ ફાયર NOC લેવામાં આવી ન હતી. જેનું મુખ્ય કારણ સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ GHB દ્વારા હલકી ગુણવત્તાની ફાયરની પાઇપો નાખવામાં આવી છે અને આવી સિસ્ટમના કારણે ફાયર બ્રિગેડ દ્વારા તેઓને NOC આપવામાં આવી નથી.
ફાયર બ્રિગેડની NOC ન હોવાના કારણે AMC દ્વારા તેઓના પાણીના કનેક્શન છેલ્લા 12 દિવસથી કાપી નાખવામાં આવ્યા છે. એના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હોવાથી બોરનું પાણી પીવાની ફરજ પડે છે. ક્ષારવાળું પાણી પીવાના કારણે લોકોને હાલાકી પડે છે. આ ઉપરાંત સરદાર પટેલ નગરમાં પાર્કિંગની પણ ખૂબ જ મોટી સમસ્યા છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ મુજબ AC અને AD બ્લોકના બેઝમેન્ટમાં પાર્કિંગ ખોલવા માટે જણાવવામાં આવ્યું છે છતાં પણ પાર્ટીશન ખોલી આપવામાં આવ્યું નથી. રહીશો આક્ષેપ કર્યા છે કે, GHBની બેદરકારીના કારણે નર્મદાના પાણી અને પાર્કિંગની સમસ્યાથી સાત હજારથી વધુ લોકો હેરાન થઈ રહ્યા છે.