અમદાવાદ : નવા વાડજની ગુજરાત હાઉસિંગ બોર્ડની કિરણપાર્ક સોસાયટીમાં રાજ્ય સરકારની 75-25 ટકા રિડેવલપમેન્ટ પોલિસી હેઠળ અસંમત સભ્યનું મકાન સીલ કરી દેતા રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો બન્યો છે.ગુજરાત હાઉસિંગ બોર્ડે ઇવેક્શન પ્રક્રિયા હેઠળ કરેલી 3 સુનાવણીમાં 24 માંથી કુલ 5 સભ્યો સંમત થઇ ગયા હતાં અને એક સભ્ય સુનાવણીમાં હાજર રહેતો નહોતો અને તેણે પોતાનું ઘર બંધ કરી દીધું હતું. બોર્ડે બુધવારે પંચનામું કરીને બંધ મકાનનો કબજો લઇને નોટિસ ચોંટાડી મકાન સીલ મારી દીધું છે અને હવે રિડેવલપમેન્ટની પ્રોસેસ પૂરી કરીને મકાન તોડવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે. આ નોટિસને સમય મર્યાદામાં અરજદાર હાઇકોર્ટમાં પડકારી શકે છે.
નવા વાડજની કિરણ પાર્ક હાઉસિંગ સોસાયટીમાં 24 મકાનો છે. આમાંથી 18 મકાનમાલિકોએ રિડેવલપમેન્ટ માટે મંજૂરી આપતા ફેબ્રુઆરી-2022માં ઓનલાઇન ટેન્ડર મંગાવાયા હતાં. ટેન્ડર બાદ ડેવલપર્સ ફાઇનલ થયો હતો. પરંતુ 25 ટકા સભ્યો અસંમત હોવાથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં બોર્ડના સક્ષમ અધિકારી દ્વારા સમયાંતરે નોટિસ ઈશ્યૂ કરીને ત્રણ સુનાવણી કરી હતી. સુનાવણીમાં 24માંથી અસંમત છ સભ્યોને હાજર રહેવા ફરમાન કરાયું હતું. જેમાં પાંચ સભ્યોએ પોતાની સંમતિ આપી દીધી હતી. જ્યારે એક સભ્ય હાજર પણ રહ્યો નહતો અને તેણે પોતાનું મકાન પણ બંધ કરી દીધું હતું.આખરે હાઉસિંગ બોર્ડે મકાનનો કબજો લઇને નોટિસ ચોંટાડી મકાન સીલ મારી દીધું છે.