અમદાવાદ : ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની માગ ફરી ઉઠી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની માગ ઉઠાવવામાં આવી છે. તાજેતરમાં અમદાવાદમાં ABVPની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી ABVP હવે આ પ્રસ્તાવ અમદાવાદના મેયર અને કલેક્ટરને સોંપશે તેવો નિર્ણય લેવાયો હતો.
ABVPના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાની દરખાસ્ત પાંચસો વિદ્યાર્થીઓમાંથી કરવામાં આવી છે. હવે અમે આ દરખાસ્ત સંદર્ભે, સંબંધિત અધિકારીઓને મળીશું અને નામ બદલવાની માગ કરીશું. તેમજ આ માટે રાષ્ટ્રીય એકતા યાત્રા અમદાવાદ અને સુરત આવશે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લેશે જેમાં નામ બદલવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે ABVP લોકોને જાગૃત કરશે અને કર્ણાવતી નામકરણ માટે સમર્થન માંગશે.
મહત્વનું છે કે આ પહેલા પણ અનેક વાર અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાની માગ ઉઠતી રહી છે. 2018માં જ્યારે વિજય રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આ માગ ઉઠી હતી. ત્યારે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે સરકાર શહેરનું નામ બદલવાની વિચારણા કરી રહી છે. અમદાવાદ દેશનું એકમાત્ર શહેર છે જે વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સામેલ છે.