અમદાવાદ : શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલ અર્જુન આશ્રમ રોડ પર વાડજ પોલીસે શેરબજારનું ડબ્બા ટ્રેડીંગ કરી ગેરકાયદે વેપલો કરતા યુવકને શુક્રવારે ઝડપ્યો હતો. યુવકના ફોનમાંથી મેટા ડ્રેડર્સ-5 નામની એપ મળી આવતા વાડજ પોલીસે ડબ્બા ટ્રેડીંગ કરી દેશના અર્થતંત્રને નુકશાન કરવાના ગુનાઈત કૃત્યની ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ વાડજ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રાણીપની રામદર્શન સોસાયટીમાં રહેતાં જયમીન કમલેશકુમાર પટેલ (ઉં,૨૯)ની ધરપકડ કરી હતી. જયમીનના મોબાઈલ ફોનમાંથી મેટા ટ્રેડર્સ-5 નામની એપ મળી હતી.આ એપથી શેરબજાના ક્રેડીટ અને ડેબીટના સોદા યુવક કરતો હોવાનું જાણવા મળ્યું હતું. આ ગેરકાયદેસર એપ્લીકેશન દ્વારા આરોપીઓ શેર લે-વેચના સોદા કરી દેશના અર્થતંત્રને નુકશાન કરવાનું ગુનાઈત કૃત્ય આચરતા હતા.
વાડજ પોલીસે યુવકનો મોબાઈલ ફોન રૂ.20 હજારનો જમા લઈ જયમીન વિરૂદ્ધ આઈપીસીની કલમ 406, 420, તેમજ ધી સિક્યુરીટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ 1956ની કલમ 23 (ઈ), (એફ), (જી), (એચ), (આઈ) તથા જુગારધારાની કલમ 12 (અ) મુજબ ગુનો દાખલ કરી એપ્લિકેશન આપનાર તેમજ બનાવનાર શખ્સો અંગે તપાસ શરૂ કરી છે.