અમદાવાદ : ચાંદલોડિયામાં રહેતી મહિલાએ ન્યુ રાણીપના વ્યાજખોર પતિ-પત્ની પાસેથી સાત ટકા વ્યાજે 10 લાખ લીધા હતા. જે તે સમયે વ્યાજખોર પતિ-પત્નીએ મકાનના વેચાણ કરાર કરાવી દસ્તાવેજો મેળવી લીધા હતા. મહિલાએ 7.80 લાખ ચૂકવી આપ્યા બાદ પણ વ્યાજખોરો વધુ રૂ.18 લાખની માગણી કરી મકાન વેચવાની તથા મારી નાખવાની ધમકી આપી ત્રાસ આપતાં હતાં. આ મામલે સોલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચાંદલોડિયાના શક્તિનગરમાં રહેતાં સુનિતાબેન કનૈયાએ સોલા હાઈ કોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, વર્ષ 2020માં તેમના ભાઈને પૈસાની જરૂર હોવાથી તેમણે ન્યુ રાણીપમાં રહેતા દીપક પટેલ તથા તેમની પત્ની અંજના પાસેથી સાત ટકા વ્યાજે 10 લાખ લીધા હતા. તે સમયે આ બંનેએ મકાન વેચાણનું લખાણ કરી મકાનના તમામ અસલ દસ્તાવેજ મેળવી લીધા હતા. બાદમાં પૈસા અને વ્યાજ ચૂકવી આપશો તો મકાન પરત આપી દેવાની વાત કરી હતી.
ફરિયાદ મુજબ સુનિતાબેને ધીમે ધીમે 7.80 લાખ ચૂકવી આપ્યા હતા. છતાં દીપક અને અંજનાએ કહ્યું હતું કે, ‘હવે તમારે રૂ.18 લાખ મૂડી અને વ્યાજ પેટે ચૂકવવા પડશે અને જો 18 લાખ નહીં ચૂકવો તો તમારું મકાન બીજાને વેચી દઈશું.’ બાદમાં આ બંને વ્યાજખોરો અવારનવાર ઉઘરાણીએ આવી ધમકી આપતા હતા, જેથી તંગ આવીને સુનિતાબેને દીપક પટેલ અને તેની પત્ની અંજના પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.