અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ સેટલમેન્ટ માટેની નવી પહેલ કરી છે. ટેક્સ ન ભરનારા માટે મનપાએ વન- ટાઈમ સેટલમેન્ટ સ્કીમ જાહેર કરી છે. જેમાં વર્ષો જૂના બાકી ટેક્સ એકસાથે ભરતા વ્યાજમાંથી મુક્તિ મળશે. એન્વાયરન્મેન્ટ ટેક્સમાં પણ 50 ટકા કાપ મૂકી લોકોને રાહત આપી છે. આ યોજના 15 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી અમલમાં રહેશે. વર્ષોથી ટેક્સ ન ભરનારને તમામ માધ્યમો થકી જાણ કરવામાં આવશે.
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે જે લોકોને ટેક્સ ભરવાનો બાકી છે તેમને 100 ટકા વ્યાજમાફી આપવામાં આવશે. એટલે કે જે લોકોએ ટેક્સની રકમ ભરી નથી અને વ્યાજ સાથે આ રકમમાં વધારો થઈ ગયો છે તો તેવા લોકોને રાહત મળશે. આ લોકોએ હવે ખાલી ટેક્સના પૈસા ભરવા પડશે. અમદાવાદ કોર્પોરેશનમાં ટેક્સ વિભાગમાં 3 હજાર કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાનો બાકી છે. ટેક્સ ઉપર વ્યાજનો હિસાબ કરવામાં આવે તો 1300 કરોડ રૂપિયાનું વ્યાજ બાકી છે.
અમદાવાદ મહાનગરપાલિકા રૂ. 3300 કરોડથી વધુના ટેક્સની બાકી રકમ વસૂલવા માટે કડક કાર્યવાહી કરવાની છે. ટેક્સ ન ભરનારના પાણી, ગટર અને વીજળી જોડાણ પણ કાપી શકે છે. જો કે આ કાર્યવાહી કરતા પહેલા મહાનગરપાલિકાએ વન- ટાઈમ સેટલમેન્ટ સ્કીમ જાહેર કરી છે. જેથી કરદાતાઓને વ્યાજમાંથી થોડી રાહત મળી શકે.