અમદાવાદ : શહેરમાં સંખ્યાબંધ વાલી પોતાના સગીર સંતાનોને સ્કૂલે કે ટ્યૂશન ક્લાસમાં જવા માટે ટુ-વ્હીલર આપતા હોય છે, આવા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના કુબેરનગરની 16 વર્ષની સગીરા ટુ-વ્હીલર પર સ્કૂલે જવા નીકળી હતી. સ્કૂલે જતી વખતે તેણે સોસાયટીમાં જ રહેતા સગીરને વાહન ચલાવવા આપ્યું હતું. સરદારનગર ભાગ્યોદય સોસાયટી પાસે ટુ-વ્હીલર સ્લીપ થતાં બંને જમીન પર પટકાયા હતા. અકસ્માતમાં સગીરનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જ્યારે સગીરાને પણ ગંભીર ઈજા પહોંચી હતી. આ કેસમાં જી ડિવિઝન ટ્રાફિક પોલીસે સગીરાના પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના કુબેરનગરની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા હીરાનંદ ગનવાણીએ 16 વર્ષની દીકરી ભૂમિને સ્કૂલે જવા ટુ-વ્હીલર આપ્યું હતું. ભૂમિએ સ્કૂલે જતી વખતે દેવેષ જસરાજાણીને વાહન ચલાવવા આપ્યું હતું. સોસાયટીના ગેટ પાસે જ ટુ-વ્હીલર સ્લીપ થઈ ગયું હતું. બંનેને ગંભીર ઈજા થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા જ્યાં સગીરનું મોત થયું હતું.
ભૂમી સગીર હોવા છતાં તેને વાહન ચલાવવા આપવા બદલ તેના પિતા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં જી-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે.રબારી હોસ્પિટલ પહોંચી ગયા હતા. સગીરા પાસે લાઇસન્સ ન હોવા છતાં તેને વાહન ચલાવવા આપવા બદલ પીઆઈ પોતે ફરિયાદી બન્યા હતા અને સગીરાના પિતાની ધરપકડ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે શહેરમાં સંખ્યાબંધ વાલી પોતાના સગીર સંતાનોને સ્કૂલે કે ટ્યૂશન ક્લાસમાં જવા માટે ટુ-વ્હીલર આપતા હોય છે. આ કિસ્સો તેમના માટે ચેતવણીરૂપ છે.