અમદાવાદ : શહેરમાં સુભાષ બ્રિજ પર પડેલી તિરાડ બાદ હવે એએમસી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 16 જૂના ઓવરબ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બ્રિજ પરથી ભારે વાહનો પસાર ન થયા તે માટે AMC દ્વારા રિસ્ટ્રીક્ટેડ હાઈટ બેરિયર લગાવાશે. આમ તમામ 16 બ્રિજ પર રૂ. 2.49 કરોડના ખર્ચે બેરિયર લગાવવાની કામગીરી કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરમાં સુભાષ બ્રિજ પર પડેલી તિરાડ બાદ હવે એએમસી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં 16 બ્રિજ પર ભારે લોડિંગ વાહનો પસાર ન થાય તેને લઈને એએમસી દ્વારા રોક લગાવવામાં આવશે. સમગ્ર મામલે એએમસી દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં 3 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં 25 વર્ષ કે તેનાથી જૂના જે પણ બ્રિજ છે ત્યાં હાઈટ બેરિયર મુકવામાં આવશે. મળતી માહિતી અનુસાર આ કામગીરી છ મહિનામાં પૂર્ણ થશે.

એએમસી દ્વારા આ નિર્ણય સુભાષ બ્રિજ બેસી ગયા બાદ લેવામાં આવ્યો છે. શહેરના સૌથી વ્યસ્ત અને મહત્વના કનેક્ટિવિટી પોઇન્ટ એવા સુભાષ બ્રિજ પર ઉદ્ભવેલી માળખાકીય ચિંતાઓ હવે ગંભીર દિશામાં આગળ વધી રહી છે. ગત 4 ડિસેમ્બરથી પ્રાથમિક સુરક્ષા કારણોસર બ્રિજને પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસ દરમિયાન મળેલા નવા તારણો બાદ બ્રિજ હવે 25 ડિસેમ્બર સુધી જાહેર અવરજવર માટે સંપૂર્ણ રીતે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
પ્રાથમિક તપાસોમાં બ્રિજના પાનમાં તિરાડોની માહિતી બહાર આવી હતી, પરંતુ ત્યારબાદ નિષ્ણાતોએ ફાઉન્ડેશન સ્તરે ચકાસણી શરૂ કરી ત્યારે કેટલીક બીજી તકનીકી શંકાઓ ઊભી થઈ છે. તંત્રને શંકા છે કે બ્રિજના સુપર સ્ટ્રક્ચર સિવાય ફાઉન્ડેશનના કેટલાક ભાગોની વિગતવાર ન્યૂનતમ શક્તિ ચકાસવાની પણ જરૂર પડશે. આ બદલાતી તપાસને કારણે હવે બ્રિજ લાંબા સમય સુધી બંધ રહેવાની શક્યતા વધુ સ્પષ્ટ બની છે.


