અમદાવાદ : રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા અને ગ્રાહકોને તેમના સપનાના ઘરના બાંધકામની પ્રગતિ વિશે માહિતગાર રાખવા માટે ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ગુજરાત રેરા દ્વારા એક મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.હવે ફ્લેટ કે મકાન બુક કરાવનાર ગ્રાહકો પોતાના ઘરે બેઠા જ બિલ્ડર દ્વારા થઈ રહેલા બાંધકામ પર નજર રાખી શકશે. આ નવી પહેલ હેઠળ, બિલ્ડર દ્વારા સમયાંતરે બાંધકામની પ્રગતિ અંગેની માહિતી રેરા દ્વારા SMS (શોર્ટ મેસેજ સર્વિસ) થકી સીધી ગ્રાહકોને મોકલવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત રેરાના રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) અધિનિયમ, 2016 અંતર્ગત, રજિસ્ટર્ડ પ્રોજેક્ટ અંગેનો તમામ ડેટા રેરા પોર્ટલ પર જાહેર ડોમેઇનમાં ઉપલબ્ધ હોય છે. આમાં પ્રમોટર દ્વારા દર ત્રિમાસિક અહેવાલ તરીકે પ્રોજેક્ટની પ્રગતિ તથા યુનિટ બુકિંગની વિગત રજૂ કરવાની થાય છે. આ અહેવાલમાં પ્રોજેક્ટની બાંધકામ તેમજ નાણાકીય સહિતની તમામ વિગતોની પ્રગતિ દર્શાવવાની હોય છે.આથી હવે આ રિપોર્ટ રજીસ્ટર મિલકત ધારકને મોકલવામાં આવશે.
તેના માટે બિલ્ડર દ્વારા તેમની સ્કીમમાં જે પણ એલઓટીને મકાન કે મિલકત ફાળવવામાં આવી હોય તેનો સત્તાવાર મોબાઈલ નંબર રેરા માં જમા કરાવવાનો રહેશે આથી રેરા દ્વારા આ નંબર ઉપર SMS મોકલવામાં આવી શકે છે.આ પહેલના લાભરૂપે, પ્રોજેક્ટના સંબંધિત આશરે ૩ લાખ જેટલા એલોટીઝ પોતાના મોબાઇલ ફોન પર JM-GRERA-G મળેલા SMSની ‘Website Link’ મારફતે તેમના રજિસ્ટર્ડ પ્રોજેક્ટ અંગેની તાજેતરની વિગતો સરળતાથી મેળવી શકશે.
ગ્રાહકોને સમયસર અને સચોટ માહિતી મળે તે સુનિશ્ચિત કરવા માટે આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રેરાના કાયદાની કલમ 11 મુજબ રેરા રજીસ્ટર પ્રોજેક્ટના પ્રમોટર દ્વારા પોતાનો ત્રિમાસિક પ્રગતિ અહેવાલ રેરાની વેબસાઈટ ઉપર ફરજિયાત પણે અપલોડ કરવાનો હોય છે તેમાં પ્રોજેક્ટની ઝીણામાં ઝીણી વિગતો માં થયેલી પ્રગતિ વિશે ફોટોગ્રાફ અને આર્કિટેક તેમજ સ્ટાર્ટર એકાઉન્ટન્ટના સર્ટિફિકેટ સાથે વિગતો રજૂ કરવાની હોય છે.
આનાથી ગ્રાહકોને સાઇટની મુલાકાત લીધા વિના પણ તેમના યુનિટના બાંધકામના વિવિધ તબક્કાઓ વિશેની જાણકારી મળી રહેશે. જેમ કે, પાયાનું કામ પૂર્ણ થયું, સ્ટ્રક્ચરલ વર્ક ક્યાં પહોંચ્યું, પ્લાસ્ટરિંગ શરૂ થયું, ફ્લોરિંગનું કામ ચાલી રહ્યું છે, કેટલા યુનિટ બુક થયા, ગ્રાહકો તરફથી પેમેન્ટ કેટલું મળ્યું, પ્રોજેક્ટ લોન વગેરે જેવી વિગતો SMS દ્વારા મોકલાશે.
આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ બિલ્ડર અને ખરીદદાર વચ્ચેના સંવાદને વધુ મજબૂત બનાવવાનો અને પ્રોજેક્ટમાં વિલંબ જેવી બાબતો અંગે ગ્રાહકોની ચિંતાઓને દૂર કરવાનો છે. અગાઉ, બાંધકામની પ્રગતિ જાણવા માટે ગ્રાહકોને વારંવાર બિલ્ડરનો સંપર્ક કરવો પડતો હતો અથવા પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લેવી પડતી હતી, જે સમય માંગી લેતું કામ હતું.
નવા નિયમ મુજબ, બિલ્ડરોએ હવે નિયમિત અંતરાલે બાંધકામની સ્થિતિ ગ્રાહકોને અપડેટ કરવી ફરજિયાત બનશે. આ પગલું રિયલ એસ્ટેટ (નિયમન અને વિકાસ) અધિનિયમ, 2016 (RERA) ના આશયને વધુ મજબૂત બનાવે છે, જે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં જવાબદેહી લાવવા પર ભાર મૂકે છે.
આ નવી સિસ્ટમથી ગ્રાહકોમાં વિશ્વાસ વધશે અને પ્રોજેક્ટની સમયસર ડિલિવરી અંગેની પારદર્શિતા સુધરશે. આ સુવિધાનો લાભ લેવા માટે, ગ્રાહકે પોતાનો સાચો અને અપડેટ કરેલો મોબાઇલ નંબર બિલ્ડર સાથે રજીસ્ટર કરાવવો જરૂરી છે.


