અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા એક અઠવાડિયાથી બીયૂ અને ફાયર NOC ન હોય તેવા એકમો સામે તવાઈ બોલાવી છે. જેના અનુસંધાને આજે સવારે અમદાવાદની જાણીતી સ્વામી વિવેકાનંદ કોલેજને સીલ કરી દેવામાં આવી છે. ફાયર NOC અને વપરાશ પરવાનગી ન હોવાને કારણે કોલેજને AMC દ્વારા સીલ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્કૂલો, હોસ્પિટલો બાદ હવે ફૂડ કોર્ટ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. AMCએ આ મામલે વાંરવાર તાકીદ કરી હતી, તેમ છતાં કોલેજ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા AMC દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. શહેરના રાયપુર દરવાજા પાસે આ કોલેજ આવી છે.આ બિલ્ડિંગ ફાયર સેફ્ટી વગર અને બિલ્ડિંગના બે માળ મંજૂરી વગર ચલાવવામાં આવતા હતા. તેમજ બિલ્ડિંગ પણ જર્જરીત હોવાનું સામે આવ્યું હતું. જેથી તેને સીલ કરવામાં આવી હતી. બિલ્ડિંગ સીલ કરવામાં આવતા જે વિદ્યાર્થીઓ કોલેજ આવ્યા હતા તેમને પરત જવું પડ્યું હતું.
બે દિવસ પહલેા શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઇવે, રીંગરોડ, હેબતપુર, ગોતા સહિતના વિસ્તારોમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાના 6 ફૂડ કોર્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાના ફૂડ કોર્ટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બીયુ પરવાનગી નહોતી અને અવારનવાર ઈમ્પેક્ટ ફી માટે જાણ કરવા છતાં પણ કાર્યવાહી ન કરતા સીલ કરવામાં આવ્યા હતા.
અઠવાડિયા પહેલા અમદાવાદના દક્ષિણ ઝોનમાં બિલ્ડિંગ યુઝ પરમીશન વગર ચલાવાતી 13 હોસ્પિટલ એસ્ટેટ વિભાગે સીલ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 8 ટીમોએ 81 જેટલી હોસ્પિટલના બાંધકામની તપાસ કરીહતી અને 27 હોસ્પિટલોને માન્ય બીયુ રજૂ કરવા માટે નોટિસ આપી હતી.


