ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી હોમગાર્ડ જવાનની નિવૃત્તિની વયમર્યાદા 55 વર્ષ હતી, એમાં 3 વર્ષનો વધારો કરી 58 વર્ષ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયના કારણે હવે હોમગાર્ડ જવાન 58 વર્ષ સુધી ફરજ બજાવી શકશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યમાં આ દળ પોલીસના પૂરક બળ તરીકે ઉત્તમ કામગીરી કરી રહ્યું છે. હોમગાર્ડઝના જવાનો માનદ સેવા આપીને ચૂંટણી બંદોબસ્ત, ટ્રાફિક ફરજો, રાત્રી પેટ્રોલિંગ, વી.આઈ.પી. બંદોબસ્ત, ધાર્મિક/મેળા બંદોબસ્ત સહિતની દૈનિક તમામ ફરજો પોલીસ સાથે ખંતપૂર્વક નિભાવે છે. આ નિર્ણયથી હોમગાર્ડઝ સભ્યોમાં રાષ્ટ્ર-સેવા કરવા માટેનો જુસ્સો વધશે, અને તેઓ વધુ ત્રણ વર્ષ માટે પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવી શકશે.
આ નિર્ણયથી હોમગાર્ડઝ સભ્યોને વધુ ત્રણ વર્ષ રાષ્ટ્ર અને સમાજની સેવા કરવાનો મોકો મળશે. એટલું જ નહીં, હોમગાર્ડઝના સભ્યો માનદ હોય છે અને તેમના પર કૌટુંબિક જવાબદારીઓ હોય છે. નિવૃત્તિ વયમર્યાદા વધવાથી તેઓ વધુ સારી રીતે પોતાની કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓ નિભાવી શકશે. હોમગાર્ડ્ઝ સભ્યો ક્ષેત્રીય કક્ષાએ ભૌગોલિક અને સામાજિક રીતે લોકો સાથે જોડાયેલા હોવાથી, તેઓ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ સારી રીતે પાર પાડવા પોલીસને વધુ મદદ કરી શકશે.


