અમદાવાદ : અમદાવાદ શહેરના ભાજપા ગઢ ગણાતા નારણપુરા વિસ્તારમાં ભાજપનો જ સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. જેમાં નારણપુરા ક્રોસીંગથી નારણપુરા ગામ સુધી 8૦ ફૂટનો રસ્તો 1૦૦ ફૂટ કરવા AMC વહીવટીતંત્ર દ્વારા રોડ કપાતનો અમલ હાલ પૂરતો મોકૂફ રખાયો છે, સ્થાનિકોના આક્રોશને પગલે AMC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આજે સવારે 16 ફેબ્રુઆરીથી રોડ પહોળો કરવા માટે કપાતની પ્રક્રિયા શરૂ થવાની હતી. નારણપુરામાં સ્થાનિક લોકોના વિરોધ બાદ ભાજપના નેતાઓ અને AMC તંત્રએ નમતું જોખવાની ફરજ પડી છે. ગઈકાલ રાત સુધી ભાજપના સ્થાનિક નેતાઓને કોર્પોરેટરો રોડ કપાતના અમલીકરણ માટે મક્કમ હતા. કોઈપણ સંજોગોમાં આ રોડ કપાત કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ જો રોડ કપાત થશે તો મોટો વિવાદ ઊભો થાય તેવા ડરના કારણે હાલ પૂરતું એક દિવસ માટે આ ડિમોલેશન રોકવાનો AMC દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
આજે રોડ કપાતના અમલીકરણને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની નારણપુરા પોલીસ સ્ટેશનના પીઆઇએ આવી અને સ્થાનિક લોકોને જાણ કરી હતી. જેને લઇ અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.એક દિવસ પૂરતું બંધ રાખવાના નિર્ણય બાદ સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આજે માત્ર એક દિવસ પૂરતું ડિમોલેશન બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પરંતુ કાયમી આ ડિમોલેશન ન કરવામાં આવે તેના માટેની અમારી લડત ચાલુ રહેશે.