અમદાવાદ : અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા ખાતે બસ સ્ટોપ પર ઉભેલા યુવકને અજાણી યુવતીને મોબાઇલ ફોન આપવો ભારે પડ્યો છે. યુવતીએ યુવકના મોબાઇલથી તેના ફોન પર મિસ્ડકોલ કર્યો હતો. અને બાદમાં તેને દુધેશ્વર દધીચિ બ્રીજ પાસે મળવા બોલાવ્યો હતો. જો કે યુવક મળવા ગયો ત્યારે અચાનક જ યુવતીનો મિત્ર પણ ત્યાં આવી પહોચ્યો હતો. અને આ છોકરી સાથે તારે શું સંબંધ છે તેમ કહીને તેનો કોલર પકડી માર માર્યો હતો. એટલું જ નહીં તેની પાસે રહેલ છરી યુવકના ગળા પર મુકીને ધમકી આપીને મોબાઇલ ફોન તેમજ રોકડ રૂપીયા લૂંટી લીધા હતા. સાથે જ જો પોલીસને જાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
એક મીડિયા રિપોર્ટ મુજબ ગાંધીનગરના દહેગામ પાસે રહેતો એક યુવક 11મી ફેબ્રુઆરીના દિવસે દિલ્હી દરવાજા AMTS બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો. ત્યારે તેને એક યુવતી મળી હતી. જે યુવતીએ ફરિયાદી યુવક પાસે મોબાઇલ ફોન માંગીને તેના ફોનમાં મીસ્ડકોલ કરીને તેનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. 12મી તારીખે યુવતીએ યુવકને ફોન કરીને મળવા બોલાવ્યો હતો. પરંતુ યુવકને ઓફિસનું કામ હોવાથી તે મળવા માટે ગયો ન હતો. જ્યારે 13મી તારીખએ ફરિયાદી યુવક જ્યારે તેની ઓફિસમાં હાજર હતો ત્યારે યુવતીએ ફોન કરીને સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ દધીચિબ્રીજ પાસે આવેલ મેલડી માતાના મંદિર પાસે મળવા માટે બોલાવતા યુવક તેને મળવા માટે ગયો હતો.
જ્યાં તે યુવતી સાથે ઉભો હતો ત્યારે આશરે 20 થી 22 વર્ષનો દાઢીવાળો એક શખ્સ પણ ત્યાં આવ્યો હતો. જેણે તારે અને આ છોકરી વચ્ચે શું સંબંધ છે તેમ કહીને યુવકનો કોલર પકડી લાતો, ફેંટો મારવા લાગેલ, જ્યારે યુવતી પણ આ શખ્સ સાથે મળીને ફરિયાદી યુવકને બીભત્સ શબ્દો બોલીને ધમકાવવા લાગી હતી. બાદમાં અજાણ્યા શખ્સએ તેની પાસે રહેલ છરો કાઢી ફરિયાદીના ગળા પર મુકી મારી નાંખવાનો ડર બતાવીને તેનો મોબાઇલ ફોન અને પાકીટ લુંટીને ફરાર થઇ ગયા હતાં.
જો કે તેમણે ફરિયાદી યુવકને ધમકી આપી હતી કે જો આ બાબતની જાણ પોલીસને કરશે તો જાનથી મારી નાંખશે. જે અંગે ની જાણ ફરિયાદી યુવકએ તેના પિતાને કરતાં મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો હતો. અને પોલીસને જાણ કરતાં પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.