અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડમાં આસીટન્ટ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા રોહનભાઇ મિસ્ત્રી શનિવારે રહસ્યમય સજોગોમાં ઓફિસમાં પરિવારને સંબોધિત કરતી ચિઠ્ઠી લખીને ચાલ્યા ગયા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે.ત્યારે પરિવારજનોએ 982570105 જાહેર કરીને મદદ માટે અપીલ કરી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી તણાવમાં રહેતા હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. ડૉક્ટરે પરિવારને પત્ર પણ લખ્યો છે. જેમાં તેઓએ નોકરીમાં સ્ટ્રેસ હોવાની વાત કરી છે. આવો જોઈએ શું લખ્યું છે પત્રમાં
મ્યુનિ મદદનીશ ઈજનેરનો પત્ર
મમ્મી, પપ્પા, બ્રિજેશ, અંકિતા, રશ્મી મને માફ કરજો. હું ઘર છોડીને જઉં છું, મને શોધવાનો પ્રયત્ન ના કરતા. પરમ દિવસે માનસિક તણાવમાં મેં આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો પણ તમે બચાવી લીધો એટલે હવે આત્મહત્યા નહીં કરું. બસ ઘર છોડીને જઉં છું. અત્યારે બધો સ્ટાફ ખૂબ જ સ્ટ્રેસમાં છે પણ મારાથી સહન ન થઈ શક્યો એટલે હું આ પગલું ભરું છું. મારા બધા જ સાહેબો અને સહયોગીઓ ખૂબ જ સારા છે, પણ સોરી.
મમ્મી, પપ્પા, બ્રિજેશ, અંકિતા, રશ્મી હું જવાબદારીથી ભાગી રહ્યો છું. બ્રિજેશ, રશ્મી, અંકિતા, મમ્મી, પપ્પા, માહી અને પર્વનું ધ્યાન રાખજો. બ્રિજેશ મને માફ કરજે, તારા ઉપર બહુ જવાબદારી નાખીને જઉં છું પણ હું આત્મહત્યા નહીં કરું. અંકિતા તારી સાથે જિંદગીનાં 12 વર્ષ ખૂબ જ સારાં ગયાં પણ મને માફ કરજે. હુ તેને અડધેથી છોડીને જઈ રહ્યો છું. મમ્મી પપ્પા તમે ટેન્શન ના લેતા. માહી-પર્વ ખૂબ જ ભણજો અને દાદા-દાદીનું નામ રોશન કરજો. બસ બીજું કંઈ નહીં. મારા બાઈકની ચાવી મારી ઓફિસના ડ્રોઅરમાં છે. મારી પાછળ સમયના બગાડતાં. મારી નોકરીમાં સ્ટ્રેસ લઈ ના શક્યો એટલે જવાબદારીથી દૂર જઈ રહ્યો છું. સોરી. રોહન મિસ્ત્રી, મદદનીશ ઈજનેર
આ ચિઠ્ઠી મળતા પરિવારજનોએ ઓફિસ ઉપરાંત, અનેક સ્થળોએ શોધખોળ કરી હતી. પણ રોહનભાઇની ભાળ ન મળતા સોલા પોલીસ મથકે તેમના ગૂમ થવા અંગે જાણવાજોગ નોંધ કરાવતા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે.