અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાંદલોડિયા વોર્ડમાં ફરજ બજાવતા ગુમ મ્યુનિ.અધિકારી પાલનપુરથી મળી આવ્યા છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા રોહન મિસ્ત્રીને શોધી કાઢ્યા છે. અમદાવાદ પોલીસે રોહન મિસ્ત્રીની પૂછપરછ કરી હતી. રોહન મિસ્ત્રી કામના વધુ પડતા ભારણના કારણે ઘર છોડીને ચાલ્યા ગયા હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
AMCના આસિસ્ટન્ટ એન્જિનિયર રોહન મિસ્ત્રી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયા હતા. કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવતા રોહન મિસ્ત્રીએ કામના તણાવમાં ઘર છોડ્યું હોવાનો એક પત્ર પણ મળી આવ્યો છે. કામનું વધુ પડતુ ભારણ રહેતું હોવાનો એન્જિનિયરે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. સમગ્ર મામલે સોલા પોલીસ મથકમાં જાણવા જોગ અરજી પણ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે બે દિવસ અગાઉ પણ આસિસ્ટન્ટ એન્જિનિયર રોહન મિસ્ત્રીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.