અમદાવાદ : શહેરમાં મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખી નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ પોલીસે રિક્ષાચાલકો અને ટેક્સીચાલકોને ક્યુઆર કોડ સાથે એટેચ કરવાની ઝુંબેશ હાથ ધરી છે. આ ક્યુઆર કોડ સ્કેન કરવામાં આવે એટલે રિક્ષા કે ટેક્સીચાલકની તમામ ડિટેઈલ મોબાઈલમાં આવી જશે. પોલીસ હાલ રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોની તમામ માહિતી ભેગી કરી ફોર્મ બનાવી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ પોલીસે નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ મહિલાઓની ખાસ સુરક્ષાઓને ધ્યાનમાં રાખી રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવરને QR કોડ સાથે એટેચ કરાશે. આ QR કોડ સ્કેન કરવાથી રિક્ષાચાલક કે ટેક્સી ડ્રાઈવરની તમામ ડિટેઈલ તમારા મોબાઈલમાં મળી જશે. આ માટે હાલ પોલીસ રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોની તમામ વિગતો ભેગી કરીને એક ફોર્મ તૈયાર કરી રહી છે. અત્યાર સુધીમાં 8 હજારથી વધુ રિક્ષાચાલકના ફોર્મ ભરવામાં આવ્યા છે. કેટલાક રિક્ષાચાલકો પેસેન્જરને અવાવરું જગ્યાએ લઈ જઈ લૂંટી લેતા હોવાના, મહિલાઓની છેડતી કરતા હોવાના બનાવોને ધ્યાને લીધા પછી આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે.
શહેરમાં વધતા જતા ક્રાઈમને ધ્યાનમાં રાખીને પોલીસ કેટલાક વિસ્તારોમાં હાઈટેક CCTV લગાવશે. શહેરમાં ઘણા વિસ્તાર એવા છે જ્યા છાસવારે ક્રાઈમની ઘટના બનતી હોય છે ત્યા આ પ્રોજેકટ હેઠળ CCTV લગાવવામાં આવશે. શહેરમાં 35 ક્રાઈમના હોટ વિસ્તાર છે જ્યા અંદાજે 667 CCTV લગાવાશે. આ ઉપરાંત 250 કેમેરા સાબરમતી રિવરફ્રન્ટ, 150 CCTV શહેરના સિટી બસ સ્ટોપ પર લગાવવામાં આવશે. પોલીસ ક્રાઈમ હોટસ્પોટના સ્થળે 90 કેમેરે લગાવશે.