અમદાવાદ : અમદાવાદ BMW હિટ એન્ડ રન કેસમાં મોટું અપડેટ સામે આવ્યું છે. શહેરના બહુચર્ચિત BMW હિટ એન્ડ રન કેસનો આરોપી સત્યમ શર્મા રાજસ્થાનથી ઝડપાયો છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ BMW કાર દ્વારા દંપતિને ઉડાવી ફરાર થયેલો સત્યમ શર્માની પોલીસે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી સત્યમની રાજસ્થાનથી ધરપકડ કરીને અમદાવાદ લવાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં આજે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ હતી.
BMW હિટ એન્ડ રનની ઘટનાના 5 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર હતી. આ ઘટના બાદ પોલીસ પર અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ આખરે ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે અને આરોપી સત્યમ શર્માને ઝડપ્યો છે. તમને જણાવી દઈએ કે, આરોપી સત્યમ શર્માનું છેલ્લું લોકેશન અને સીસીટીવી ફૂટેજ હોવા છતાંય પોલીસ તેને હજી સુધી પકડી શકી નહોતી.
આમ આ કેસમાં પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા હતા. જેને લઈને ગઈકાલે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી.બીજી તરફ ચકચારી BMW હિટ એન્ડ રન કેસમાં અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા દંપતીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે.