અમદાવાદ : વિદ્યાર્થીઓ માટે વિદાય એ બંધનોનો અંત નથી પરંતુ પૂર્ણતાના અંતિમ ચરણે પહોંચેલ શાળા જીવનથી વળાંક લઈ આવનારા ભવિષ્ય તરફનું પ્રથમ ચરણ છે. નવા વાડજમાં આવેલ શ્રી ગણેશ વિદ્યાલય દ્વારા ધો.10 તથા ધો.12 વિધાર્થીઓને અનોખી વિદાય આપી હતી, જેમાં શાળાના કેમ્પસમાં આશીર્વાદ રૂપે ગાયત્રી હવન તથા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ શાળા જીવન દરમ્યાનના તેમના સંસ્મરણો વિશે ભાવુક થઇ વાત રજુ કરી હતી અને વિધાર્થીઓએ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ કાર્યક્રમમાં ગુરુ દ્વારા તેમને પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન માટે માર્ગ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય જસ્મીનાબેન પટેલે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે દરેક ક્ષેત્રમાં અગ્રેસર થવા માટે તેમના વિચારો રજૂ કર્યા તથા આશીર્વાદ આપ્યા હતા.ગાયત્રી હવન દ્વારા વિદ્યાર્થીઓએ તેમના જીવનમાં નવા પથ પ્રદર્શિત કરનાર તેમની કલમની પૂજા કરી ઈશ્વરના પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
શ્રી ગણેશ વિદ્યાલય શાળા પરિવાર વિદ્યાર્થીઓ સદાય ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરે અને તેમના જીવનમાં ઉન્નતિના શિખરો સર કરે તે માટેના કાર્યો કરવા માટે હરહંમેશ તત્પર રહે છે.