અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પાર્ટી પ્લોટ, હોલ વિવિધ પ્રસંગો માટે ભાડે આપવામાં આવે છે. કોર્પોરેશનના હોલની સુવિધાઓ અને તેમાં કોઈ બદલાવને લઈ અને સૂચનો લોકો પાસેથી મંગાવવા માટે થઈ ફીડબેક લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેના માટે હવે QR કોડ લગાવવામાં આવશે. જેના પર લોકો સ્કેન કરી અને પોતાનો ફીડબેક મોકલી શકશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ટાઉન પ્લાનીંગ કમિટીમાં ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યુ હતું કે શહેરમાં કોર્પોરેશનના જેટલા પણ પાર્ટી પ્લોટ, પ્લોટ અને હોલ ભાડે આપવામાં આવે છે. તેના પર QR કોડ લગાવવામાં આવશે જેથી આ ભાડે રાખેલા માલિકો તેના વિશે ફિડબેક આપી શકે અને તેને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો તે પણ જણાવી શકે તે માટે આગામી 1 મહિનામાં આ કોડ લગાવવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
વધુમાં જણાવ્યુ હતું કે જે પણ સ્કેન કરી ફરિયાદ કરશે તે તમામ ફરિયાદો પાલડી ખાતે આવેલા કંટ્રોલરૂમમાં મળશે. આ તમામ ફરિયાદોનું નિવારણ જે તે ઝોનના અધિકારીઓ દ્વારા લાવવામાં આવશે. આ તમામ ફરિયાદો કયા કયા ઝોનમાંથી આવી છે અને કેટલી ફરિયાદો આવી છે તે બાબતનો મહિનાના અંતે રિપોર્ટ લેવામાં આવશે. જેમાં અલગ અલગ ફરિયાદોમાં અલગ અલગ વિભાગ દ્વારા નિકાલ લાવવામાં આવશે.