અમદાવાદ : દેશની આઝાદી અપાવવામાં અનેક ક્રાંતિવીરો શહીદ થયા હતા. 23 માર્ચે શહીદ દિને જાણીતા ક્રાંતિવીરોના જીવન અને કવનની કેટલીક અજાણી વાતો વીરાંજલિ સમિતિ દ્વારા એક ભવ્ય મલ્ટીમીડિયા કાર્યક્રમ મારફતે રજૂ કરવામાં આવે છે. છેલ્લા 14 વર્ષથી યુવાનોમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાના ઉમદા હેતુથી વીરાંજલિ કાર્યક્રમનું આયોજન દર વર્ષે થાય છે, ત્યારે આગામી 23 માર્ચે આ વીરાંજલિ કાર્યક્રમ રિવરફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
વીરાંજલિ સમિતિના પ્રમુખ અને ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા દ્વારા છેલ્લા 15 વર્ષથી પોતાના ગામ બકરાણા (સાણંદ)માં આ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો. તેમના ગામમાં શહીદ દિવસની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવતી હતી. ત્યારબાદ તેમણે આ ઉજવણીને મોટું સ્વરુપ આપવાનું વિચાર્યું. જેથી શહીદોની વાત ગુજરાતના દરેક વ્યક્તિ સુધી પહોંચાડી શકાય અને તેના મનોમંથન બાદ ‘વીરાંજલિ’ કાર્યક્રમનું સર્જન થયું હતું. ગુજરાતમાં અત્યાર સુધી વીરાંજલીના 17 કાર્યક્રમ થયા છે. આજે રાજ્યભરમાં આ કાર્યક્રમ વિસ્તરી ચુક્યો છે.
આ કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવી અને સાંઈરામ દવે , ગીતા રબારી સહિતના કલાકારો દેશભક્તિના સૂર રેલાશે અને અમદાવાદીઓ દેશભક્તિના રંગે રંગાશે. આ કાર્યક્રમમાં સાંઈરામ દવેએ વીર જવાનો માટે લખેલી ‘આરતી વીર જવાનો કી’ રજૂ કરવામાં આવશે.લોકપ્રિય કલાકાર સાંઇરામ દવે સહિત 100થી વધુ કલાકારો આ શોમાં જોડાયેલા છે.