અમદાવાદ : 21 માર્ચે મોડી રાતે દિલ્લી-NCRમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયાના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, અમદાવાદ સહિત વડોદરામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ખાસ કરીને શહેરના વાડજ, ગોતા, રાણીપ, એસજી હાઈવે સહિત અનેક વિસ્તારોમાં ધરતી ધ્રુજતા ભયના માર્યા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.આંચકો આવતા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, અમદાવાદમાં આંચકની તીવ્રતા કેટલી હતી તે જાણી શકયું નથી.
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ધરતીકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 6.6 માપવામાં આવી છે. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં હતું.દિલ્હી અને NCRમાં લગભગ 45 સેકન્ડ માટે ભૂકંપના આંચકા આવ્યા હતા. ભૂકંપનો અનુભવ થતાં જ લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. ઊંચી બિલ્ડીંગમાં રહેતા લોકો પણ બિલ્ડીંગની બહાર રસ્તા પર આવી ગયા હતા. ગાઝિયાબાદ, વસુંધરા સહિતના વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. આ સિવાય ઉત્તર ભારતમાં ભૂકંપના તેજ આંચકાથી દિલ્લી-NCR સહિત પંજાબ, ઝારખંડ, રાજસ્થાન, જમ્મુમાં પણ તેજ આંચકા અનુભવાયા છે.