અમદાવાદ : ગુજરાતમાં આમ તો દારુબંધી છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારૂનો જથ્થો ઝડપાતો રહે છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદમાં દારૂનો જથ્થો સંતાડવા બુટલગેરો અવનવા કીમિયા અજમાવતા હોય છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલને અમદાવાદના રખિયાલમાં જમીનની અંદર પાણીની ટાંકીની જેમ ગુપ્ત ટાંકી બનાવીને સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.દારૂના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપ્યા છે. તો 7 આરોપી ફરાર થયા છે.પોલીસે ફરાર આરોપીઓની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના રખિયાલના અર્બન નગરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા.સ્ટેટ મોનિટરિંગ સેલે જમીનમાં સંતાડેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. જમીનની અંદર પાણીની ટાંકીની જેમ ગુપ્ત ટાંકી બનાવીને 3040 દારૂની બોટલ સંતાડવામાં આવી હતી. આ દારૂના જથ્થાની કિંમત 4.65 લાખ રૂપિયા છે. તો રોકડ અને વાહન મળીને 27.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપ્યા છે. તો 7 આરોપી ફરાર થયા છે. પોલીસે ફરાર આરોપીઓની તપાસ હાથ ધરી છે.