અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 31 માર્ચ, 2023થી IPLની 16મી સિઝનની ધમાકેદાર શરુઆત થવા જઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023ની પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ઘણા સમય બાદ IPLમાં ઓપનિંગ સેરેમની પણ યોજાશે. મળતી માહિતી અનુસાર આ મેચને જોવા માટે 1 લાખથી વધુ લોકો સ્ટેડિયમમાં હાજર રહેશે, જેને કારણે એક મોટો રેકોર્ડ પણ બની શકે છે.
આ મેચ પહેલા 31મી માર્ચે જ IPLની ભવ્ય ઓપનિંગ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવશે. અહેવાલો અનુસાર, સાઉથની અભિનેત્રીઓ તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદન્ના IPL 2023ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરતી જોવા મળશે. કોરોના મહામારી પછી આ પહેલીવાર હશે જ્યારે IPLની ઓપનિંગ સેરેમનીમાં સેલિબ્રિટીઝ પરફોર્મ કરતા જોવા મળશે. જોકે આ વાતની હજુ પુષ્ટિ થઈ નથી.
IPL 2023માં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક એ ભારતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ને TV પર લાઈવ બતાવવા માટે સત્તાવાર પ્રસારણકર્તા છે. તેથી ટીવી પર ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તમામ મેચોનું સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. જ્યારે Viacom18 પાસે ટુર્નામેન્ટના ડિજિટલ અધિકારો છે. આથી, મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ OTT પ્લેટફોર્મ પર જિયો સિનેમા એપ પર ઉપલબ્ધ રહેશે.