અમદાવાદ : જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. અમૂલે છ માસના ટુંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમૂલનો નવો ભાવ વધારો આજથી લાગુ પડશે. આજથી તમે ખરીદતા અમૂલના દરેક પ્રકારના દૂધના ભાવમાં વધારો થઈ જશે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે એકથી ત્રણ રૂપિયા સુધીનો વધારો કર્યો છે. આજથી અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને મહીસાગરમાં ભાવ વધારો લાગુ કરાયો છે. 13 માસના ગાળામાં ત્રીજીવાર અમૂલ દૂધના ભાવમાં વધારો છે. નવો ભાવવધારો આજથી લાગુ થતા હવે નવા ફાઈનાન્શિયલ વર્ષથી જ નાગરિકોને ફટકો પડશે.
હવે નવા ભાવ વધારા સાથે અમૂલ ગોલ્ડ હવે પ્રતિ લિટર રૂ. 64, અમૂલ શક્તિ રૂ. 58 પ્રતિ લિટર અને અમૂલ તાઝા રૂ. 52 પ્રતિ લિટરના ભાવે વેચાશે. આ સાથે બફેલો દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂ.4નો વધારો કરાયો છે. જે હવે રૂ.34 પ્રતિ 500 મી.લીના કિંમતને વેચાશે. અમલૂ ટી સ્પેશ્યલ પણ હવે રૂ.29ના બદલે રૂ.30 (500મિલી)માં વેચાશે. અમૂલ ડીટીએમ (સ્લીમ અને ટ્રીમ) દૂધ પણ રૂ.22થી વધીને રૂ.23 (500મિલી) થઈ ગયું છે.
દૂધના નવા ભાવ
અમુલ બાફેલો 33 રૂપિયા
અમુલ ગોલ્ડ 32 રૂપિયા
અમુલ શક્તિ 29 રૂપિયા
અમુલ સ્લિમ ટ્રિમ 23 રૂપિયા
અમુલ ટી સ્પેશિયલ 30 ના ભાવે મળશે
નોંધનીય છે કે, બીજી તરફ ગઈકાલે અમૂલ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.20નો ભાવ વધારો ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.800થી વધીને રૂ.820 ચૂકવવામાં આવશે. આ સાથે દૂધ ભરતા સભાસદોને અકસ્માત વીમો પણ આપવાની જાહેરાત કરાઈ હતી.