અમદાવાદ : અમદાવાદમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ તરફથી સઘન પેટ્રોલિંગ સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવા છતાં લૂટારું પોલીસથી એક કદમ આગળ ચાલતા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નરોડામાં ફાયર સ્ટેશનની સામે આવેલી શિવકૃપા જ્વેલર્સમાં બે બુકાનીધારી લોકોએ બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ કર્યો છે.
મળતા રિપોર્ટ પ્રમાણે આજે સવારે નરોડામાં ફાયર સ્ટેશનની સામે આવેલી શિવકૃપા જ્વેલર્સમાં બે બુકાનીધારી લૂંટારૂઓએ ધાડ પાડી હતી. બાઈક પર આવેલા બુકાનીધારીઓએ ગન બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો.જ્વેલર્સના માલિકના જણાવ્યા અનુસાર સવારે 10 વાગ્યા આસપાસ આ લૂંટારૂઓ બંદુક સાથે ત્રાટક્યા હતા. 9 વાગ્યે જ્વેલરી શોપ ખુલી હતી અને માલિક દુકાન જમાવી રહ્યા હતા, તે સમયે બે લૂંટારૂ આવ્યા અને બંદુકની અણી બતાવી હતી. તેમને બંદુક બતાવી કહ્યુ અવાજ ન કરતા, જે હોય તે બધો માલ આપી દો.
જો કે લૂંટને અંજામ આપે તે પહેલા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા જમા થઈ જતા લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. દુકાનના માલિકે પ્રતિકાર કરતા લૂંટારુઓ સાથે થયેલ ઝપાઝપીમાં દુકાનના માલિકને ઈજા પણ પહોચી હતી.ઘટનાને પગલે પોલીસની ચારથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસને જોઈ ઘટનાસ્થળેથી લૂંટારૂઓ ત્યાંથી ભાગ્યા હતા.સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાઈક પર આવેલા લૂંટારૂઓએ જ્વેલર્સમાં બંદૂક બતાવી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે પોલીસની ચારથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
મહત્વનું છે કે, બે લૂંટારૂઓ દુકાન પાસેના સીસીટીવીમાં કેદ થયા હતા. જેને આધારે પોલીસ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જેના માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. એટલું જ નહીં ઘટના બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.