અમદાવાદ : શહેરના રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં નશીલા દ્રવ્યોનું વેચાણ અને સેવન, દેહ વ્યાપારથી લઈને અન્ય ગેરકાયદે કૃત્યો ચાલતા હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે. જેના પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્વતે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં સ્પા અને મસાજ પાર્લરના માલિકો, સંચાલકો અને સ્ટાફ મેમ્બરની નોંધણી પોલીસ સ્ટેશનમાં ફરજિયાત કરાવવી પડશે. આમ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે કેટલીક જગ્યા એ સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહ વ્યાપાર તેમજ અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
જાહેરનામાં મુજબ સ્પા અને મસાજ પાર્લરના માલિકો અથવા સંચાલકોએ પોતાના નામ, સરનામુ, મોબાઈલ નંબર અને ફોટોગ્રાફ સહિત તમામ વિગતો આપવાની રહેશે. તેવી જ રીતે કામ કરનાર વ્યકિતના ફોટા સહિતની તમામ વિગતો આપવાની રહેશે. જો કામ કરનાર કર્મચારી રાજ્ય બહાર કે દેશ બહારની હશે તો તેના વતનની વિગતો સાથે ઓળખના પુરાવા રજૂ કરવાના રહેશે. વિદેશી વ્યકિતએ પાસપોર્ટ અને વિઝાની વિગતો પોલીસને આપવાની રહેશે. આ જાહેરનામુ તા. 31 મે 2023 સુધી અમલી રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ ગમે તેટલા કડક નિયમો બનાવે પરંતુ સ્પાના અમુક સંચાલકો પોલીસની આંખમાં ધૂળ નાંખીને સ્પાની આડમાં અનેક ગોરખધંધા કરતા રહે છે ખાસ કરીને અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઇટ, નવરંગપુરા, એસજી હાઇવે રોડ, થલતેજ, બોપલ સહીત પશ્ચિમના અનેક વિસ્તારમાં આ દુષણ ખૂબ વધ્યું છે. તેના માટે લોકોની માનસિકતા જવાબદાર છે જ્યાં સુધી તેઓ માનસિક રીતે સ્વસ્થ નહિં બને ત્યાં સુધી સ્પા અને મસાજ પાર્લર જેવી આડમાં આવા ધંધા ચાલતા રહેશે. પોલીસ સર્તક રહી શકે અને આસપાસના નાગરિકો જાગૃત રહીને પોલીસ સુધી આવી માહિતી પહોંચાડે તો આવા પ્રકારના ક્રાઈમ પર થોડીક રોક લાગી શકે.