અમદાવાદ : AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સ સંદર્ભે નાગરિકોને થતી મુશ્કેલીઓ અંગે સાત ઝોનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. લોકદરબારના કાર્યક્રમ દરમિયાન આવતા નાગરિકોને તેમને નડતી મુશ્કેલીઓના ઉકેલ કાઢી આપવામાં આવશે. ખાસ કરીને, પ્રોપર્ટીમાં નામ ટ્રાન્સફર, ભાડૂઆતે પ્રોપર્ટી ખાલી કરી દીધી હોવા છતાં તેેમના નામે બોલતી પ્રોપર્ટી સહિતના વિવિધ મુદ્દાઓ સંદર્ભે લોકો દ્વારા રજૂઆતો મળી હોવાનું ટેક્સ વિભાગના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ટેક્સ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રોપર્ટી ટેક્સ સંદર્ભે નાગરિકોને થતી મુશ્કેલીઓ અંગે આ લોકદરબારમાં લોકોને ટેક્સના નામના ફેરફાર કરાવવા માટે કયા કયા દસ્તાવેજો લાવવા કે નહીં તે અંગે પણ માહિતી અપાઈ રહી છે.18 એપ્રિલે સવારે 10.30થી 2 તથા 3થી 5 વાગ્યા સુધી તમામ ઝોનની ઓફિસો પર રાખવામાં આવ્યો છે. પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમનાં કારણે પેન્ડીંગ રહેલ અરજીઓનો તથા નવી અરજીઓનો ઝડપથી સ્થળ પર જ નિકાલ થઇ શકશે.
રેવન્યુ કમિટીનાં ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, ‘પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ટેક્સધારકો અરજી સંદર્ભનાં તમામ જરુરી પુરાવાઓ રજુ કરશે અને તેમાં નામ ટ્રાન્સફર, નામમાં સ્પેલીંગની ભુલો તથા સરનામામાં જરુરી ફેરફારનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે તેમજ ટેક્સ ઘટાડાની અરજી, ક્ષેત્રફળ અથવા પરિબળ ઘટાડવાની / ખાલી-બંધ વગેરે તેમજ અન્ય અરજી સ્થળ ઉપર જ સ્વીકારી અરજદારને રસીદ આપવામાં આવશે. ત્યારબાદ જે-તે ઝોનલ કચેરી દ્વારા અરજદારની અરજીઓના નિકાલ માટે સ્થળ તપાસ કરી સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે.