અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. 04થી એપ્રિલ ગુજરાતમાં કોરોના વાયરસના નવા 324 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 94 કેસ નોંધાયા છે. જ્યારે 169 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદમાં એક દર્દી કોરોના સામે ઝીંદગીનો જંગ હારી જતા લોકોમાં ચિંતા જન્મી છે. તો કોરોનાના કુલ 10 ગંભીર અસરગ્રસ્ત દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં કોરોનાનાં 766 જેટલા એક્ટિવ કેસો છે. જેમાં રોજના 38થી 40 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે. છેલ્લા બે દિવસમાં હાલમાં 100થી ઓછા કેસો નોંધાઈ રહ્યા છે શહેરના બોડકદેવ, થલતેજ, નવરંગપુરા સહિતના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. કોરોનાના દૈનિક 1500થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદની એસવીપી અને એલજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવારની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેર જિલ્લા વાર કોરોના કેસોમાં અમદાવાદ શહેરમાં 94 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં એક કેસ નોંધાયો છે. વધુમાં સુરત શહેરમાં 32, સુરત ગ્રામ્યમાં 6, વડોદરા શહેરમાં 24, ગ્રામ્યમાં 24, રાજકોટ શહેરમાં 14, ગ્રામ્યમાં 11 કેસ નોંધાયા છે. એ જ રીતે ગાંધીનગર શહેરમાં 8, ગ્રામ્યમાં 2, જામનગર શહેરમાં 7 ગ્રામ્યમાં 2, ભાવનગર શહેરમાં 6 કેસ, ગ્રામ્યમાં એક પણ કેસ નહી મહેસાણામાં 21 કેસ, મોરબીમાં 15 કેસ, અમરેલીમાં 11 કેસ, સુરેન્દ્રનગરમાં 8, વલસાડમાં 7, પાટણમાં 5 કેસ તથા ખેડા અને કચ્છ તેમજ પંચમહાલમાં 4 કેસ નોંધાયા છે.