અમદાવાદ : સરકારે ગેસના ભાવની ફોર્મ્યુલા બદલ્યા બાદ ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. વાહનોમાં ઉપયોગમાં લેવાતા CNG અને ઘરેલુ ઉપયોગ માટે PNGના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.ગુજરાતમાં ગેસ સપ્લાય કરતી અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL)એ 08 એપ્રિલની મધરાતથી CNGના ભાવમાં 8.13 રૂપિયા પ્રતિ કિલો અને PNGના ભાવમાં 5.06 રૂપિયા પ્રતિ ઘન સેન્ટીમીટરનો ઘટાડો કર્યો છે. CNGમાં ભાવ ઘટાડાને લીધે રિક્ષાચાલકોને મોટી રાહત મળશે. તેમજ PNG ગેસનો ભાવ ઘટતા ગૃહિણીઓના બજેટમાં પણ ઘટાડો થશે.આ ભાવ આજ મધરાતથી અમલી બનશે
ગેઇલ ઇન્ડિયાની પેટાકંપની મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ શુક્રવારે તેના વિતરણ વિસ્તારોમાં CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 8 અને ઘરેલું પાઈપવાળા રસોઈ PNG ગેસના ભાવમાં રૂ. 5 નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સ્થાનિક રીતે ઉત્પાદિત કુદરતી ગેસ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિ અંગે ગુરુવારે કરવામાં આવેલી જાહેરાતને ધ્યાનમાં રાખીને MGLએ આ પગલું ભર્યું છે. આ જાહેરાત બાદ સરકારે શુક્રવારે CNG અને પાઈપવાળા રાંધણ PNG ગેસના નવા ભાવ પણ જાહેર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે મોદી કેબિનેટે નવી ગેસ કિમતની નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી હતી,આ મામલે હવે ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. કેબિનેટે ઘરેલુ કુદરતી ગેસની કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી છે. સરકારના જણાવ્યા અનુસાર, આ પગલાથી PNG અને CNGની કિંમતોમાં ઘટાડો થશે. આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, દેશનાં શહેરોમાં બંનેના ભાવમાં સામાન્ય લોકોને કેટલી રાહત મળશે.કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી છે કે, નવી ફોર્મ્યુલાની અસરને કારણે કિંમતોમાં ઘટાડો થશે અને દેશભરમાં CNG અને PNGની કિંમતોમાં 7 થી 10 ટકાની રાહત મળશે.