અમદાવાદ : ગ્રીષ્મા હત્યાકાંડને યાદ કરાવતી એક ઘટના શહેરના જુના વાડજ વિસ્તારમાં બનતા ચકચાર મચી ગઇ છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ગઇકાલે જાહેરમાં સગીરાના ગળા પર છરી ફેરવી દીધી હતી. સગીરાએ યુવક સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરતા આ હિંચકારી ઘટના બનવા પામી હતી. સ્થાનિકોની મદદના કારણે સગીરાને સમયસર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હત. જેના કારણે તેનો જીવ બચી ગયો છે. જો સગીરાને સમયસર હોસ્પિટલમાં પહોચાડવામાં આવી ના હોત તો કદાચ અમદાવાદમાં પણ ગ્રીષ્માકાંડ થઇ ગયો હોત.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના જુના વાડજ વિસ્તારમાં સ્મશાનગૃહ પાસે પરિવાર સાથે રહેતી સગીરા ગઈકાલે સાંજે શાકભાજી લેવા માટે ઘરેથી નીકળી હતી. આ દરમિયાન ભરત બોડાણ નામના 35 વર્ષીય યુવકે તેનો પીછો કરીને તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સગીરાને ગંભીર ઈજા થતા તેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં પોલીસની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. સગીરાના પરિવારે ભરત બોડાણ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે.
સગીરાના આક્ષેપ પ્રમાણે, ભરત બોડાણા છેલ્લા એક મહિનાથી તેનો પીછો કરતો હતો અને અવારનવાર તેની સાથે પ્રેમ સંબંધ રાખવાનું કહેતો હતો. ગઇકાલે ભરત કિરાણાના સ્ટોર પાસે બેઠો હતો જ્યા સગીરા શાકભાજી લેવા માટે ગઇ હતી જ્યા તેને રોકીને લગ્ન માટેની વાત કરતો હતો. સગીરાએ જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી ગઇ હતી પરંતુ ભરત તેનો પીછો કરતો હતો. કિરાણા સ્ટોરથી થોડે દુર જઇને ભરતે સગીરાને ઉભી રાખી હતી અને કહેવા લાગ્યો હતો કે, કેમ મારી સાથે લગ્ન કરવાની ના પાડે છે.
સગીરા કઇ બોલે તે પહેલા ભરતે તેની પાસે રહેલી છરી કાઢી હતી અને સગીરાના ગળા ભાગે ફેરવી દીધી હતી. લોહીથી લથબથ સગીરા જમીન પર ઢળી પડી હતી. જ્યારે ભરત ત્યાંથી નાસી ગયો હતો. આસપાસના લોકોએ સગીરાને તાત્કાલીક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં હાલ સગીરાની હાલત નાજુક છે. વાડજ પોલીસે ભરત વિરૂદ્ધ હત્યાની કોશિષનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.