અમદાવાદ : જાહેર રોડ અને ફૂટપાથ પર ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે ફોર વ્હીલર સહિતનાં વાહનો પાર્ક કરનારા નાગરિકો સામે AMC દ્વારા સતત દંડાત્મક કાર્યવાહી થઈ રહી છે. AMC ના એસ્ટેટ વિભાગ દ્વારા આવાં વાહનને તંત્ર તાળાં મારીને જે તે વાહનચાલક પાસેથી આકરો વહીવટી ચાર્જ વસૂલાય રહ્યો છે. તાજેતરમાં 6 ફોર વ્હીલર સહિત કુલ 14 વાહન સામે આકરાં પગલાં લેવાતાં પાર્કિંગમાં બેદરકાર વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.
AMCના દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તાજેતરમાં વેજલપુર વોર્ડ અને જોધપુર વોર્ડમાં આવેલા પ્રહલાદનગર ગાર્ડન ચાર રસ્તાથી હરણ સર્કલ થઈ આનંદનગર ચાર રસ્તા થઈ શ્યામલ ચાર રસ્તા સુધીના જાહેર રોડ અને ફૂટપાથ પર ટ્રાફિકને અવરોધરૂપ પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે ઝુંબેશ હાથ ધરાઈ હતી, જે હેઠળ છ ફોર વ્હીલરને તાળાં મારીને તંત્રે રૂ. 3800 નો દંડ વસૂલ્યો હતો. ઉપરાંત દક્ષિણ ઝોનમાં પણ એસ્ટેટ વિભાગે રોડ અને ફૂટપાથ પર ટ્રાફિકને નડતર બનેલાં આઠ વાહનોને લોક માર્યાં હતાં. ત્યાર બાદ જે તે વાહનચાલક પાસેથી રૂ. 4000 દંડ પેટે વસૂલ્યા હતા.
જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં થલતેજ વોર્ડ, ચાંદલોડિયા વોર્ડ, બોડકદેવ વોર્ડ, ઘાટલોડિયા વોર્ડ, ગોતા વોર્ડમાં ઠેર ઠેર રોડ પરનાં દબાણ દૂર કરાયાં હતાં. તંત્રે નવ લારી, એક ડેડ વિહિકલ, 105 બોર્ડ-બેનર તેમજ 148 પરચૂરણ માલસામાન જપ્ત કરીને કુલ રૂ. 63500નો દંડ વસૂલ્યો હતો. બોડકદેવ વોર્ડમાં માનસી સર્કલથી પ્રેમચંદનગર ચાર રસ્તા સુધીનાં દબાણ હટાવાયાં હતાં.