અમદાવાદ : AMC ના ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદના સાતેય ઝોનમાં પ્રોપર્ટી ટેક્સ સંદર્ભે નાગરિકોને થતી મુશ્કેલીઓ અંગે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.સવારે 10:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજવાનો છે. આ પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સવારથી જ ઝોનની ઓફિસ પર નાગરિકો પોતાની ફરિયાદો લઈ પહોંચ્યા હતા. દરેકને પોતાની સંબંધિત ફરિયાદ માટે અધિકારી-કર્મચારીઓએ સાંભળ્યાં હતા.
AMC ના ટેક્સ વિભાગમાં ટેક્સધારકો તરફથી વિવિધ પ્રકારની ફરિયાદ સ્વરૂપે અરજીઓ આવતી હોય છે. જેવી કે, નામ ટ્રાન્સફર, નવી આકારણી, ક્ષેત્રફળ અથવા પરિબળમાં સુધારા અંગે અરજી, ખાલી/બંધ અંગે તથા અન્ય પ્રકારની અરજીઓ, પ્રોપર્ટી ટેક્સ અંગેના પ્રશ્નોનો તાકીદે નિકાલ થાય, તથા કરદાતાઓની બાકી અરજીઓનો ઝડપી નિકાલ થાય તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા તમામ ઝોનમાં “પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આજે આયોજન કરવામાં આવ્યું છે. 18 એપ્રિલે સવારે 10.30 થી 2 તથા 3 થી 5 વાગ્યા સુધી તમામ ઝોનની ઓફિસો પર રાખવામાં આવ્યો છે. પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમના કારણે પેન્ડીંગ રહેલ અરજીઓનો તથા નવી અરજીઓનો ઝડપથી સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે.
રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ટેક્સધારકો દ્વારા અરજી સંદર્ભના તમામ જરુરી પુરાવાઓ રજુ કરી તેમાં નામ ટ્રાન્સફર, નામમાં સ્પેલિંગમાં ભૂલો તથા સરનામામાં જરૂરી ફેરફારની અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવી રહ્યો છે.